અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદ બાદ હવે નાગરિકો માટે નવી અને વિકટ મુશ્કેલી ઊભી થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાંથી હજી તો પૂરેપૂરા પાણી પણ ઓસર્યા નથી, ત્યાં જ બિસ્માર રસ્તાઓની ગંભીર સમસ્યા સામે આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલાં રસ્તાના સમારકામ માટે જે મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા, તે તમામ કામગીરી ધોવાઈ ગઈ હોય તેમ શહેરના અનેક માર્ગો પર મોટા-મોટા ખાડા પડી ગયા છે.

જીવરાજ ચાર રસ્તા પર ત્રણ-ત્રણ વાર ખોદકામ છતાં સ્થિતિ જસની તસ

શહેરના અત્યંત ધમધમતા એવા જીવરાજ ચાર રસ્તા પર જ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, કોર્પોરેશન દ્વારા આ સ્થળે અગાઉ પણ ૩ વાર ખોદકામ કરીને ખાડા કરવામાં આવ્યા હતા, પરંતુ તે પછી કોઈ યોગ્ય અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવી નહોતી. તંત્રની આ અણઘડ કામગીરીના પરિણામે ચોમાસાનો પહેલો જ વરસાદ પડતાં રોડ ધોવાઈ ગયો છે અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રાત્રિના સમયે અકસ્માતનો મોટો ભય, ત્વરિત સમારકામની માંગ

બિસ્માર રસ્તાઓ અને ખાડાઓના કારણે ખાસ કરીને રાત્રિના સમયે ગંભીર અકસ્માતો સર્જાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. ખુલ્લા ખાડા અને તૂટેલા રસ્તાના કારણે વિહિકલ લપસી જવા અને વાહનચાલકો પટકાવાના બનાવો બની રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માંગ કરી છે કે કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલાં આ ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો