સરકારી તંત્ર દ્વારા અણઘડ આયોજન કરવામાં આવે અને તેના કારણે લોકોને ભોગવવાનો વારો આવે છે. ઔડા દ્વારા 3 વર્ષ પહેલાં અમદાવાદના ઘુમા શીલજને જોડતા રેલવે બ્રિજ બનાવ્યો હતો, પરંતુ ડેડ એન્ડ પર રસ્તો જ નહોતો બનાવ્યો અને હજુ પણ એજ સ્થિતિ જોવા મળી રહી છે. હજુ પણ અહીં રસ્તો ખુલતા ઓછામાં ઓછો 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે.
80 કરોડ રૂપિયાનું અધિકારીઓએ કર્યુ આંધણ!
જીહા ઘણી વખત વિકાસના નામે અણઘડ આયોજન અધિકારીઓ દ્વારા કરી દેવામાં આવે છે અને પછી ભોગવવાનું લોકોને રહે છે. આશરે 3 વર્ષ પહેલાં 80 કરોડના ખર્ચે ઔડા દ્વારા ઘુમા શીલજને જોડતા રેલવે ઓવર બ્રિજ બનાવ્યો હતો, પરંતુ બ્રિજ બની ગયા બાદ ઔડાને ખ્યાલ આવ્યો કે અહીં તો રોડનો ડેડ એન્ડ નથી, એટલે કે બ્રિજ ઉતરો તો પછી આગળ રસ્તો નથી. જો હેવી વાહનને પસાર થવું હોય તો અશક્ય બની ગયું છે. જો સામ સામે 2 વાહનો આવી જાય તો પણ અકસ્માતનો ભય રહે છે. ઔડાની એ હદે બેદરકારી છે કે બ્રિજ બનાવવાનું શરૂ કર્યું ત્યારથી લઈને 3 વર્ષ સુધી આગળ રોડ બનાવવા બાબતે કોઈ વિચાર જ કરવામાં આવ્યો નહીં. બ્રિજ ડેડ એન્ડ આવે ત્યાં આગળની તરફ 80 હેકટર જગ્યા એગ્રિકલચર ઝોન છે. જેથી ત્યાં ટીપી થઈ શકે નહિ અને જો ટીપીના પડે તો રોડ ના બની શકે. જેથી થોડા સમય અગાઉએ 80 હેકટર જગ્યાનો ઝોન ફેર કરવા માટે ઔડા બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો છે.
આશરે 1 વર્ષ જેટલો સમય આ બ્રિજથી આગળ રોડ બનવામાં જશે
પ્રસ્તાવ જો સરકાર મંજૂર કરે તો તેમાં આશરે 4 માસ જેટલો સમય પસાર થશે, એ બાદ ટીપી તૈયાર કરવામાં આવશે. આ બ્રિજની આગળની તરફ રહેણાક પ્લોટિંગ છે તે તમામ માલિકો રાજી થઈ ગયા છે તો તેની આગળની તરફ બંગલો છે, જેથી ટીપી ફાઈનલ કરી તે મકાન તુટે નહીં તે મુજબ ટીપી ફાઈનલ કરવામાં આવશે અને થોડા બાંધકામ છે તેને હટાવવામાં આવશે. એટલે તેમાં આશરે 8થી 9 માસ જેટલો સમય પસાર થશે. એટલે કે આશરે 1 વર્ષ જેટલો સમય આ બ્રિજથી આગળ રોડ બનવામાં જશે. 1 વર્ષ બાદ અહીંથી જે રોડ બનશે એ શીલજ રાચરડાંને જોડતો માર્ગ બનશે. આમ વિકાસ અને પ્લાનિંગની વાતો જોરશોરથી કરવામાં આવે છે. પરંતુ આ રીતે બુદ્ધિના દેવાળાં ફૂંકી દેવામાં આવે છે, જેથી લોકોને પારાવાર મુશ્કેલી પડે છે.









