અમદાવાદના બાકરોલ ચોકડી નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જ્યાં એક રોડ પર પસાર થઈ રહેલી ટ્રક અને આઈસર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બંને વાહનોના કુરચા બોલી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

બે લોકોની હાલત ગંભીર

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ઇમરજન્સી સેવાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તાબડતોબ વાહનમાંથી બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

લાંબો ટ્રાફિક જામ સર્જાયો

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, રોડની અધવચ્ચે વાહનો અથડાયા બાદ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને આ ટક્કર કયા કારણોસર થઈ તેની વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Ahmedabadના ચાંદખેડામાં આતંક મચાવનાર બુટલેગર પિતા-પુત્ર જેલભેગા, પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું