અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર પંથકમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. બાપુનગરના સૌથી વ્યસ્ત ગણાતા જંક્શનો પૈકીના એક એવા શ્યામશિખર ચાર રસ્તા પાસે આજે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરી કાર અચાનક રોડ વચ્ચેના ડિવાઈડર પર ચડીને લાઈટના થાંભલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ધડાકાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કાર ચાલક શ્યામશિખર ચાર રસ્તા તરફથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની કારની ગતિ અનિયંત્રિત બની ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં જવાના બદલે સીધી જ ડિવાઈડર સાથે ભટકાઈને તેની ઉપર ચડી ગઈ હતી અને ત્યાં રોપેલા લોખંડના મજબૂત લાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈને અટકી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે લાઈટનો થાંભલો પણ નમી ગયો હતો અને કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.










