અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં પોલીસ દ્વારા દારૂની હેરફેર કરતા ઇસમો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં કાર સહિતના વાહન મારફ્તે દારૂની ખેપ કરતા બૂટલેગરોને ઝડપી લેવા પેટ્રોલિંગ થકી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે ત્રીજીવાર કારમાં દારૂની હેરફેર પર રોક લગાવી છે. ગુરુવારે રાત્રીના રોજ બાવળા પીઆઇ એસ.વી ચૌધરીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફને બાતમી મળી હતી કે બાવળા રાશમ રોડ પરના એક ફાર્મ પાસે ગ્રે કલરની ઈકો કારમાં અંગ્રેજી દારુની ખેપ મારવામાં આવી રહી છે. એથી પોલીસ દ્વારા તાત્કાલિક બાતમી સ્થળે રેડ કરાઈ હતી. જ્યાં રોડ પર બાતમીના વર્ણન મુજબની ઉભેલી ઈકો કારને પોલીસે કોર્ડન કરી તલાશી લેતા 122 નંગ દારુની બોટલ, કિંમત રૂ 1,12,000નો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર દીપક ભયરામભાઇ મકવાણા રહે. બલદાણા, તા.બાવળાને કાર સહિત કુલ રૂ. 3,22,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી.



  • Follow us on: