રાજ્યના અત્યંત વ્યસ્ત અને મહત્વના ગણાતા ભારત માલા હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો માટે અત્યંત મહત્વના અને સાવચેતીભર્યા સમાચાર સામે આવ્યા છે. નંદેસરી નજીક હાઈવે પર દૂધના ટેન્કર અને એલપીજી (LPG) ગેસ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરના કારણે ગેસ ટેન્કરમાંથી મોટા પાયે જોખમી એલપીજી ગેસનું લિકેજ શરૂ થઈ ગયું હતું. ગેસ ગળતરના પગલે હાઈવે પર કોઈ મોટી જાનહાનિ કે આગ હોનારત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસે તાત્કાલિક અસરથી ભારત માલા હાઈવે પરનો તમામ વાહન વ્યવહાર બપોરે ૩:૦૦ વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ કરી દીધો છે.
દૂધના ટેન્કરે LPG ટેન્કરને પાછળથી ઠોકી દીધું
નંદેસરી નજીક ભારત માલા હાઈવે પરથી પૂરઝડપે પસાર થઈ રહેલા દૂધના ટેન્કરે આગળ જઈ રહેલા એલપીજી ભરેલા ટેન્કરને ધડાકાભેર ટક્કર મારી હતી.ટક્કર એટલી પ્રચંડ હતી કે ગેસ ટેન્કરના વાલ્વ અથવા મુખ્ય પાઈપલાઈનમાં ક્ષતિ થતાં હવામાં સફેદ ધુમાડા સાથે ગેસ લીકેજ થવા લાગ્યો હતો.અતિ જ્વલનશીલ એલપીજી ગેસ આસપાસના વિસ્તારમાં ફેલાવા લાગતાં હાઈવે પરથી પસાર થતાં મુસાફરો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે નાસભાગ અને દહેશત વ્યાપી ગઈ હતી.
બપોરે 3 વાગ્યા સુધી હાઈવે બ્લોક, પોલીસે વાહનો કર્યા ડાયવર્ટ
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો હરકતમાં આવી ગઈ હતી.પોલીસે તાત્કાલિક હાઈવે પર બંને તરફ બેરિકેડિંગ કરીને વાહનોની અવરજવર અટકાવી દીધી હતી.સુરક્ષાના કારણોસર હાઈવેને બપોરે ૩ વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.લાંબો ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે મુખ્ય પોઈન્ટ્સ પરથી વાહનોને જૂના નેશનલ હાઈવે તેમજ વૈકલ્પિક આંતરિક રસ્તાઓ પર ડાયવર્ટ કર્યા છે.
ગેસ કંપનીની એક્સપર્ટ ટીમ અને ફાયર બ્રિગેડ દ્વારા લીકેજ કંટ્રોલની કામગીરી
સ્થિતિને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરાઈ છે.ફાયર ફાઈટરો દ્વારા ગેસના વાદળ પર સતત પાણીનો છંટકાવ (વોટર કર્ટેન) કરવામાં આવી રહ્યો છે જેથી સ્પાર્ક થવાનું જોખમ ટાળી શકાય.સંબંધિત ગેસ કંપનીના ટેકનિકલ એન્જિનિયરો અને નિષ્ણાતોની ટીમ લીકેજ સીલ કરવા અને ટેન્કરમાં બચેલો ગેસ અન્ય ખાલી ટેન્કરમાં ટ્રાન્સફર (ડીકેન્ટિંગ) કરવા માટે કામે લાગી છે.સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને સુરક્ષાનું ક્લિયરન્સ મળ્યા પછી જ હાઈવે ફરી સામાન્ય વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
આ પણ વાંચો: Gandhinagar: રૂપાલમાં આજે ઐતિહાસિક પલ્લી; મધરાતે નીકળશે મા વરદાયિનીનો રથ, 27 ચકલામાં લાખો લિટર શુદ્ધ ઘીની નદીઓ વહેશે!