અમદાવાદ અને ભાવનગર જિલ્લાને જોડતા વ્યસ્ત એક્સપ્રેસ હાઇવે પરથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક ખુશીના સામાજિક પ્રસંગમાં હાજરી આપીને હસતા-રમતા ઘરે પરત ફરી રહેલા પરિવાર અને સ્નેહીજનોની ખાનગી બસને કોઠ પોલીસ સ્ટેશનની હદમાં કાળ નડ્યો છે. હાઇવે પર આવેલા કરિયાણા ગામના વળાંક નજીકથી પસાર થતી વખતે બસના ચાલકે પૂરપાટ ઝડપે જતી બસના સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે ૨૫ મુસાફરોથી ભરેલી બસ રોડની સાઇડમાં પલટી ખાઈ ગઈ હતી.


ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત અને બચાવ કાર્ય

બસ પલટી ખાતાની સાથે જ અંદર બેઠેલા મુસાફરોમાં ભારે કીકિયારીઓ અને ચીસાચીસ મચી ગઈ હતી. રાત્રિના અંધારામાં અકસ્માતનો અવાજ સાંભળીને કરિયાણા ગામના સ્થાનિક ગ્રામજનો અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ બસના કાચ તોડીને અંદર ફસાયેલા પેસેન્જરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, આ ભયાનક અકસ્માતમાં એક મુસાફરને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેને પગલે પ્રસંગની ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.

ધોળકા હોસ્પિટલમાં એડમિટ અને પોલીસ કાર્યવાહી

આ દુર્ઘટનામાં અન્ય 4 મુસાફરોને નાની-મોટી અને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધોળકા ખાતે આવેલા સીએચસી (CHC) સેન્ટર એટલે કે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હાઇવે પર જામ થયેલા ટ્રાફિકને હટાવી ક્રેનની મદદથી બસને રસ્તા પરથી દૂર કરી હતી. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથધરી છે.

આ પણ વાંચો: Valsad: ધોધમાર વરસાદને કારણે વાપીના સલવાવ હાઇવે પર પાણી ભરાયા, માત્ર 2 કલાકમાં 1.2 ઇંચ ખાબક્યો


  • Follow us on: