ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી હજી ઘણી દૂર છે. પરંતુ ભાજપે ચૂંટણીનો શંખનાદ કરી દીધો છે. વન ડે વન એસેમ્બલી અભિયાન સાથે હવે ભાજપના અધ્યક્ષ દરરોજ એક વિધાનસભા વિસ્તારમાં પહોંચી રહ્યા છે. લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે. કાર્યકરોને સક્રિય કરી રહ્યા છે અને ચૂંટણીની રણનીતિ ઘડી રહ્યા છે. પરંતુ બીજી તરફ મેદાનમાં ખેડૂતોના આંદોલન છે. યુવાનો NEET પેપર લીક મુદ્દે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે ભાજપનું આ અભિયાન લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવશે કે પછી આ અભિયાન ચૂંટણી પહેલાં ડેમેજ કંટ્રોલનો પ્રયાસ છે? 

ભાજપ હવે વિધાનસભા ચૂંટણીના મોડમાં આવી ગયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપ હવે વિધાનસભા ચૂંટણીના મોડમાં આવી ગયું છે. વન ડે વન એસેમ્બલી અભિયાન હેઠળ દરરોજ એક વિધાનસભા વિસ્તાર પસંદ કરવામાં આવે છે. જ્યાં સંગઠન અને સરકારના પ્રતિનિધિઓ સીધા લોકો વચ્ચે પહોંચી રહ્યા છે. ભાજપ કહે છે કે અમે માત્ર ચૂંટણી લક્ષી કામગીરી નથી કરતા પરંતુ આ દરરોજ ચાલતી પ્રક્રિયા છે. ભાજપના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે કહ્યું હતું કે, અમારી કામગીરી માત્ર ચૂંટણી લક્ષી નથી હોતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ દરેક વિધાનસભામાં જઈ રહ્યાં છે અને ત્યાંના નેતાઓ સાથે બેઠકો કરીને પ્રજાલક્ષી કામગીરી અંગે ચર્ચાઓ કરે છે અને લોકો યોજનાઓથી માહિતગાર થાય તેની કામગીરી કરવામાં આવે છે. 

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાલ આદિવાસી પટ્ટામાં

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાલ આદિવાસી પટ્ટામાં છે. ખેડૂત. યુવા મોરચા, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાર્યકરો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સ્થાનિક પ્રશ્નો મુદ્દે સંવાદ કરી રહ્યા છે. ભાજપનો દાવો છે કે આ માત્ર ચૂંટણી અભિયાન નથી. પરંતુ લોકોના પ્રશ્નોને સ્થળ પર સમજી તેના ઉકેલ માટેનો પ્રયાસ છે. ખાસ કરીને નબળી બેઠકો પર સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. સવાલ એ પણ ઉઠે કે આખરે આ અભિયાન આદિવાસી જિલ્લાથી કેમ ચાલુ કરવામાં આવ્યું. તો તેનું કારણ એ છે કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને વધારે નુકશાન થયું હતું. 

ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે

આપના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી પણ વધારે સક્રિય થઈ છે અને રોજ સરકારને ઘેરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અનેક વિસ્તારોમાં ખેડૂતો સાથે મળી વીજપોલ અને વીજ જોડાણના પ્રશ્ને રસ્તા પર ઉતર્યા છે. વર્ષોથી પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ NEET પેપર લીક મુદ્દે પણ વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનો સરકાર સામે આક્રમક બન્યા છે. પારદર્શક પરીક્ષા વ્યવસ્થા અને જવાબદારી નક્કી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એટલે યુવાનો મહિલાઓના પ્રશ્નો પણ રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.અને આ તમામ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારને ઘેરી રહી છે. ત્યારે સવાલ એ છે કે મેદાનમાં સંવાદથી અસંતોષ દૂર થશે? કે પછી વિરોધના આ અવાજો ચૂંટણી સુધી વધુ પ્રબળ બનશે?

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં આગામી એક કલાક ભારે, 6 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર