અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર અકસ્માતની આ ચોંકાવનારી ઘટના બની હતી.કર્ણાવતી ચાર રસ્તા પહેલાં આવેલા શેલ્બી કટ પાસે એક BMW કારના ચાલકે વાહન બેફામ રીતે હંકારીને અકસ્માત સર્જ્યો હતો.એસજી હાઈવે પર આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડની બરાબર સામેથી પસાર થઈ રહેલા એક એક્ટિવાને આ કારચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા રોડ પર જોરથી ફંગોળાઈ ગયું હતું.આ એક્ટિવા પર સવાર બે સગા ભાઈઓને શરીરે ઈજાઓ પહોંચી હતી.એક્ટિવાને અડફેટે લીધા બાદ પણ કારચાલકે વાહનની ગતિ ધીમી કરી ન હતી અને આગળ દોડાવી હતી.
ઓટોરિક્ષામાં બેઠેલા એક મુસાફરને પગના ભાગે ઈજા પહોંચી
એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર માર્યા બાદ આ બેફામ કારના ચાલકે રસ્તા પર આગળ જઈ રહેલી એક ઓટોરિક્ષાને પણ જોરદાર ટક્કર મારી દીધી હતી.અચાનક થયેલી આ ટક્કરના કારણે ઓટોરિક્ષામાં બેઠેલા એક મુસાફરને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઓટોરિક્ષાને અડફેટે લીધા બાદ પણ કારચાલકે રસ્તા પર આગળ જતી અન્ય એક કારને પણ જોરદાર ટક્કર મારી હતી. એસજી હાઈવે જેવા ધમધમતા માર્ગ પર એક પછી એક એમ ત્રણ વાહનોને ટક્કર મારીને અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ જતાં સ્થળ પર લોકોના ટોળાં પણ એકઠાં થઈ ગયાં હતાં.આ અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
