અમદાવાદ શહેરના કાંકરિયા લેક ખાતે લાંબા ગાળા બાદ બંધ કરવામાં આવેલી બોટિંગની શરૂઆત થઈ ગયા બાદ હવે નળસરોવર ખાતે 15મી ડિસેમ્બર સુધીમાં બોટિંગ શરૂ થઈ જશે.જેના માટે નળસરોવર ખાતે 230 વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સ માટે લાઈફ સેવિંગ તાલીમ યોજાઈ હતી.આ મહિનામાં નવી બોટોનો આંકડો 200 પર પહોંચી જશે.તમામ બોટ આવી ગયા બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા બોટ એલોટ કરાશે.ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સના સંયુક્ત ઉપક્રમે નળસરોવર સંકુલ ખાતે લાઈફ સેવિંગ ટેકનિક્સ વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સ' તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું
4 ઓક્ટોબર 2026થી 2 નવેમ્બર 2026 દરમિયાન યોજાયેલા આ એક મહિનાના તાલીમ કાર્યક્રમમાં વિવિધ બેચમાં 5-5 દિવસનો તાલીમ સમયગાળો નિર્ધારિત કરીને સ્થાનિક ઓપરેટર્સને સજ્જ કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન ઓપરેટર્સને પાણીમાં સર્જાતી કટોકટી ઓળખવા, ડૂબતી વ્યક્તિને બચાવવા તથા તાત્કાલિક જીવનરક્ષક કામગીરી માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ચાલુ વર્ષે નળસરોવર પક્ષી અભયારણ્યની 15877થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
