અમદાવાદ શહેરની જાણીતી શાળાઓ,ગુજરાત હાઇકોર્ટ તેમજ આગામી સમયમાં યોજાનારા મોટા કાર્યક્રમોના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળતા સમગ્ર પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.એકસાથે વિવિધ મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવીને આપવામાં આવેલી આ ધમકીને પગલે શહેરમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે.
અમદાવાદની પાંચ શાળાઓને બોમ્બની ધમકી
મળતી વિગતો અનુસાર,શહેરની એશિયા સ્કૂલ સહિત 5થી વધુ અગ્રણી શાળાઓને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાનો ઈમેઈલ મળ્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ ત્વરિત સ્થાનિક પોલીસને જાણ કરી હતી.ઈમેઈલ અંગેની માહિતી મળતાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી હરકતમાં આવ્યા હતા અને તમામ સંબંધિત શાળાઓને પરિસરમાં શારીરિક ચકાસણી હાથ ધરવા કડક આદેશ આપ્યા હતા.જો સ્થિતિ અનુકૂળ ન જણાય અથવા સુરક્ષા અંગે સહેજ પણ શંકા લાગે તો વિદ્યાર્થીઓની સલામતી અર્થે તેમને તાત્કાલિક ઘરે મોકલી દેવાની ખાસ સૂચના પણ આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટને પણ નિશાન બનાવવામાં આવી
માત્ર શાળાઓ જ નહીં પરંતુ આ ઈમેઈલમાં ગુજરાત હાઈકોર્ટને પણ નિશાન બનાવવામાં આવી હતી.ધમકીભર્યા મેઈલમાં બપોરે 2.11 વાગ્યે હાઈકોર્ટ પરિસરમાં બ્લાસ્ટ કરવાની વાત કહેવામાં આવી હતી.જેના પગલે હાઈકોર્ટ સંકુલમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી છે.બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા સમગ્ર હાઈકોર્ટ સંકુલનું ખૂણે-ખૂણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.આ ધમકીભર્યા મેઈલમાં આગામી મહત્વના કાર્યક્રમો અને મોટા સ્ટેડિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ
મેઈલ અનુસાર 21 નવેમ્બરે અમદાવાદના વિશ્વપ્રસિદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે,તેમજ 1 નવેમ્બરે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.પ્રખ્યાત ગાયક દિલજીત દોસંજના આગામી મ્યુઝિક કન્સર્ટ/કાર્યક્રમમાં પણ ધમાકો કરવાની ચેતવણી આપવામાં આવી છે.અમદાવાદ પોલીસ, સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ એજન્સીઓએ સક્રિય થઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ ઈમેઈલ ક્યાંથી અને કયા IP સરનામા પરથી મોકલવામાં આવ્યો છે તેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: નવરાત્રિમાં ફેશનની ઘેલછા ભારે પડી શકે છે, અસુરક્ષિત ટેટુ ત્રોફાવવાથી હિપેટાઈટિસનું જોખમ