અમદાવાદના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર (Captain Smit Machchhar) ની વિમાની ઈમરજન્સી દરમિયાન દાખવેલી અસાધારણ બહાદુરી અને શૌર્ય મુદ્દે હવે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે નિવેદન આપતા જણાવ્યું છે કે કેપ્ટન સ્મિતની બહાદુરી અને સમયસૂચકતાને સમગ્ર વિશ્વ અને તમામ ભારતીયો એકસૂરે બિરદાવી રહ્યા છે. કોંગ્રેસે ઉમેર્યું હતું કે કેપ્ટન સ્મિતે પોતાની જીવસટોસટની બાજી લગાવીને સેંકડો મુસાફરોના જીવ બચાવીને દેશનું નામ રોશન કર્યું છે.
ભાજપ પર 'માફીવીરની સંસ્કૃતિ'નો પ્રહાર
કોંગ્રેસે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે માફીવીરની સંસ્કૃતિ ધરાવતી ભાજપ સરકાર કે તેના નેતાઓ પાસેથી બહાદુરીનું કોઈ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. વિપક્ષે સવાલો ઉઠાવતા કહ્યું કે જ્યારે દેશના મહત્વના પોર્ટ, એરપોર્ટ અને સરકારી એરલાઈન્સ વેચાઈ રહી હતી ત્યારે આ નેતાઓ ક્યાં ગયા હતા? વધુમાં, વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરનાર દેશના કુસ્તીબાજ પહેલવાનો જ્યારે ન્યાય માટે રસ્તા પર આંસુ સારી રહ્યા હતા અને તેમને ઢસડવામાં આવી રહ્યા હતા ત્યારે ભાજપના નેતાઓ મૌન સેવીને બેઠા હતા.
