છત્તીસગઢ લોક સેવા આયોગ (CGPSC) ની ભરતી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડમાં સામેલ ગુનેગારો સામે પગલાં ભરતાં EDની ટીમોએ રાયપુર, દુર્ગ, ધમતરી અને જશપુર સહિત કુલ પાંચ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 2020 અને 2021ની CGPSC પરીક્ષામાં વ્યાપક ગેરરીતિઓ આચરીને ઉમેદવારો પાસેથી કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી હોવાના ગંભીર આરોપો ચર્ચાઈ રહ્યા છે.
ઉત્કર્ષ ચંદ્રાકરની અટકાયત અને કરોડના વ્યવહારોનો ખુલાસો
EDની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા થયા છે, જેમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પરીક્ષાનું પેપર લીક કરીને ઉમેદવારો પાસેથી રૂ.3 કરોડથી વધુની રકમ વસૂલી હતી. આ વસૂલેલા નાણાંમાંથી અંદાજે રૂ.2.80 કરોડ જેટલી મોટી રકમ અનિલ ચંદ્રાકરને આપવામાં આવી હોવાનો સંગીન આરોપ છે. આ મામલે EDએ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ કાર્યવાહી કરતા 1 સપ્ટેમ્બરે ઉત્કર્ષ ચંદ્રાકરની ધરપકડ કરી લીધી છે.
