નવા વર્ષ નિમિત્તે સંગઠનની એકતા અને મજબૂતી દર્શાવવા માટે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમોમાં જ અમદાવાદ ભાજપનો આંતરિક વિખવાદ ખુલીને સપાટી પર આવી ગયો છે. શહેરના ચાંદખેડા વોર્ડ ભાજપમાં ભારે ભડકો જોવા મળી રહ્યો છે, જ્યાં વોર્ડ સંગઠન અને અનુસૂચિત જાતિ (SC) મોરચા દ્વારા એકસાથે કાર્યક્રમ કરવાના બદલે અલગ-અલગ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ગઈકાલે યોજાયેલા વોર્ડ સ્નેહમિલન કાર્યક્રમમાં SC આગેવાનોની અવગણના કરવામાં આવી હોવાના ગંભીર આરોપ સાથે ચાંદખેડા વોર્ડના કાર્યકર્તાએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો ઠાલવ્યો છે.

ગઈકાલે વોર્ડનું સ્નેહમિલન, SC આગેવાનોનું અલગ આયોજન

ચાંદખેડા ભાજપમાં સંકલનના અભાવ અને આંતરિક મતભેદોને કારણે વોર્ડ સ્નેહમિલન અને SC મોરચાના સ્નેહમિલનનું અલગ-અલગ આયોજન કરવામાં આવ્યું છે, જેણે સ્થાનિક સંગઠનની ખેંચતાણને ઉજાગર કરી છે. ગઈકાલે ચાંદખેડા વોર્ડનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં SC મોરચાના આગેવાનોની જાણીજોઈને અવગણના કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે.

આજે SC આગેવાનોનું અલગ સ્નેહમિલન

વોર્ડ સ્નેહમિલનમાં થયેલી અવગણના બાદ ભાજપના ચાંદખેડા વોર્ડના કાર્યકર્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો અને સંગઠનની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.ગઈકાલના વિવાદ બાદ આજે SC આગેવાનો દ્વારા અલગથી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તે માટે આમંત્રણો પણ પાઠવવામાં આવ્યા છે. આ ઘટનાક્રમને પગલે અમદાવાદ શહેર ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ પણ વાંચો: Bharuch: આમોદમાં કાર્યક્રમ દરમિયાન તલાટીની તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા; એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા