અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવક નાઈ અનિલ ભેરૂલાલ પોતાની પત્ની નાઈ કોમલ રાજકુમાર સામે સતત માનસિક ત્રાસ આપવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપતી હોવાની ગંભીર અરજી પોલીસ સમક્ષ રજૂ કરી છે. અરજદાર યુવકે પોલીસ સમક્ષ ચોંકાવનારી આપવીતી રજૂ કરતાં જણાવ્યું છે કે છેલ્લા 11 વર્ષથી તે પોતાની પત્નીના અસહ્ય ત્રાસ અને કનડગત વચ્ચે જીવન જીવી રહ્યો છે.

ચાંદખેડામાં પત્નીના ત્રાસથી કંટાળી પતિ પોલીસ શરણે

પોતાની નબળી શારીરિક અને મેડિકલ સ્થિતિ હોવા છતાં તેણે પત્નીની તમામ નાણાકીય અને ઘરની જરૂરિયાતો પૂરી કરી હોવા છતાં છેલ્લા સાતથી આઠ વર્ષથી ઘરમાં સતત ઝઘડા અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પત્ની દ્વારા વારંવાર પોલીસ કેસ કરવાની તેમજ કોર્ટમાં ભરણપોષણની કલમ 125 હેઠળ ફરિયાદ દાખલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાથી યુવક ભારે માનસિક તણાવમાં આવી ગયો છે. પત્નીના આવા ત્રાસથી કંટાળીને આખરે તેણે પરિવારના રક્ષણ માટે પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ રજૂ કરી છે.

ચાંદખેડા પોલીસમાં યુવકે આપેલી અરજી

Ahmedabad

11 વર્ષથી માનસિક કનડગત અને ખોટા કેસની ધમકી

ચાંદખેડા સ્થિત સાબરમતી વિસત રોડ પર જીએસસી બેંકની પાસે રહેતા નાઈ અનિલ ભેરૂલાલ દ્વારા નોંધાવેલી વિગતો અનુસાર તેણે આક્ષેપ કર્યો છે કે આશરે 11 વર્ષ પહેલાં તેના સંબંધો બંધાયા હતા અને તેણે સામેવાળી મહિલા નાઈ કોમલ રાજકુમારને પત્ની તરીકેનો પૂરો દરજ્જો આપ્યો હતો. યુવકની પોતાની મેડિકલ સ્થિતિ પણ નાજુક હોવા છતાં તેણે પત્નીની તમામ માગણીઓ સંતોષી હતી, પરંતુ તેમ છતાં છેલ્લા સાતથી આઠ વર્ષથી તેની પત્ની તેને અસહ્ય ત્રાસ આપી રહી છે.

અગાઉ પણ પોલીસમાં રજૂઆત કરી હોવા છતાં ધમકીઓ યથાવત્

આ ઘરેલુ વિવાદ એટલી હદે વકરી ગયો હતો કે યુવકને પોતાના મૂળ પરિવારથી અલગ થઈને ચાંદખેડા ખાતે રહેવા જવાની ફરજ પડી હતી. પત્ની દ્વારા ખોટી રીતે ખર્ચ ઉપાડવામાં આવતો હતો અને પરિવાર પર દબાણ લાવવામાં આવતું હતું. પીડિત યુવકના જણાવ્યા પ્રમાણે તેણે અગાઉ પણ પત્નીના ત્રાસ અને ધમકીઓ મામલે ચાંદખેડા પોલીસ મથકમાં પાંચથી છ વખત ફરિયાદો અને રજૂઆતો કરી હતી. આ ઉપરાંત તેની સાસુ સામે પણ ભૂતકાળમાં ત્રણ વખત ખોટી અરજીઓની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પત્ની વારંવાર વતન પહોંચીને પરિવારજનોને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપીને હેરાન કરતી હતી, જેને કારણે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે.

ભેરૂલાલ નાઈ પીડિત યુવકના પિતા

Ahmedabad

કોઈ અનિચ્છનીય ઘટના બને તો પત્નીને જવાબદાર ઠેરાવી

અરજીમાં જણાવ્યા મુજબ તારીખ 12 ઓક્ટોબર 2026 ના રોજ પત્નીએ જૂની બાબતોને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો અને કોર્ટમાં જઈ ભરણપોષણની કલમ 125 હેઠળ કેસ કરી યુવકને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. સતત મળતી ધમકીઓ અને 11 વર્ષથી સહન કરવા પડતા માનસિક ત્રાસના કારણે યુવકની ધીરજ ખૂટી ગઈ છે. તેણે પોલીસને જણાવ્યું છે કે તેના પિતા હૃદયની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને પત્ની ઘરમાં સતત માતાને ભડકાવીને કલેશ ઊભો કરી રહી છે. આ પરિસ્થિતિમાં જો તેના પરિવારજનો સાથે કોઈ અણધારી કે અનિચ્છનીય ઘટના બને અથવા ત્રાસથી કંટાળીને તે પોતે કોઈ આત્યંતિક પગલું ભરીને આત્મહત્યા કરી લે, તો તેના માટે સંપૂર્ણપણે તેની પત્ની નાઈ કોમલ રાજકુમાર જવાબદાર રહેશે તેવી સ્પષ્ટ રજૂઆત તેણે પોલીસ સમક્ષ કરી છે.

યુવકે ચાંદખેડા પોલીસમાં અરજી કરી

લક્ષ્મીનગર ટૂકરા હંજીવલ ખાતે સરનામું ધરાવતી પત્ની સામે તત્કાળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેનું રક્ષણ કરવામાં આવે તેવી આજીજી યુવકે કરી છે. ખોટા કેસોમાં ફસાવવાના ષડયંત્ર સામે ચાંદખેડા પોલીસ નિષ્પક્ષ તપાસ કરીને ન્યાય આપે તેવી માગણી સાથે પીડિતે પોતાની સત્તાવાર અરજી પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે. પોલીસે યુવકની આ લેખિત રજૂઆત સ્વીકારીને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવાની ખાતરી આપી છે, જ્યારે યુવકે પોતાના જીવ અને પરિવારની સુરક્ષાને પ્રાથમિકતા આપવા નમ્ર વિનંતી કરી છે.

આ પણ વાંચો:Mehsana: બહુચરાજીમાં ગંજીપાના પર પૈસાની બાજી લગાવતા સરપંચ સહિત 3 શખ્સો જેલના સળિયા પાછળ, 7 ફરાર આરોપીઓની શોધખોળ