અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી આગની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદથી બાવળા તરફ જતા હાઈવે પર મટોડા નજીક આવેલી એક જાણીતી ચોકલેટ બનાવતી કંપનીમાં આજે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી બધી વિકરાળ અને ભયાનક હતી કે જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી અને આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા છવાઈ જતા આસપાસના વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
ફાયર બ્રિગેડની 3થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
કંપનીમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ચાંગોદર પોલીસ સ્ટેશનનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 3થી વધુ ગાડીઓ તાત્કાલિક કામે લગાડવામાં આવી હતી. આ ઉપરાંત આગની ભીષણતાને કાબૂમાં લેવા માટે બાવળા, ધોળકા તેમજ આસપાસની ખાનગી ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનો દ્વારા ચારેય બાજુથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની સઘન યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
