આગામી ડિસેમ્બર માસના અંત સુધીમાં ગુજરાતના જંગલો અને ઘાસિયા મેદાનોમાં હવે સિંહ અને દીપડાની સાથે-સાથે વિશ્વના સૌથી ઝડપી પ્રાણી ગણાતા ચિત્તા અને રાષ્ટ્રીય પ્રાણી વાઘની હાજરી જોવા મળશે. જેનાથી રાજ્યના વન વૈભવમાં એક નવો અધ્યાય ઉમેરાશે. સદીઓ પહેલાના ઈતિહાસનું પુનરાવર્તન થઈને વર્ષ ૨૦૨૬માં નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. કચ્છના બન્નીમાં ચિત્તા રી-ઇન્ટ્રોડક્શનના ભાગ રૂપે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કચ્છના બન્ની ઘાસિયા વિસ્તારમાં ચિત્તાઓને વસાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 

કચ્છ પ્રવાસન ક્ષેત્રે પણ વૈશ્વિક નકશા પર ચમકશે

જ્યારે રતનમહાલમાં NTCA ના સાનુકૂળ રિપોર્ટ બાદ ગુજરાતમાં વાઘની જોડી આવવાની તૈયારી છે. આ સાથે જ ગુજરાત ટૂંક સમયમાં ભારતમાં એકમાત્ર એવું રાજ્ય બનશે જ્યાં સિંહ, વાઘ, દીપડો અને ચિત્તો એટલે કે બિલાડી કુળના તમામ મુખ્ય સભ્યો એકસાથે અસ્તિત્વ ધરાવતા હશે. સત્તાવાર માહિતી મુજબ, કચ્છના વિશાળ બન્ની વિસ્તારમાં ચિત્તાઓને સફળતાપૂર્વક સ્થાયી કરાશે. કુનો નેશનલ પાર્ક અથવા આફ્રિકાથી ચિત્તાઓને ગુજરાતના બન્ની વિસ્તાર પર પસંદગી ફાઈનલ છે. આ પગલાથી કચ્છ પ્રવાસન ક્ષેત્રે પણ વૈશ્વિક નકશા પર ચમકશે.

મુખ્ય વન્યજીવો હવે ગુજરાતમાં ગર્વભેર જોવા મળશે

બીજી બાજુ, રતનમહાલના જંગલમાં અગાઉ આવેલા વાઘ બાદ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા રતનમહાલનું વાતાવરણ વાઘના વસવાટ માટે અત્યંત અનુકૂળ હોવાનો સકારાત્મક રિપોર્ટ જાહેર કરાતા ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતને વધુ એક વાઘ ફાળવાશે. જેના પરિણામે ગુજરાતમાં વાઘની સત્તાવાર નર-માદા જોડી ઉપલબ્ધ થઈને વંશવૃદ્ધિને વેગ મળશે. પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ જયપાલસિંહના જણાવ્યા અનુસાર ગુજરાત માટે આ ઐતિહાસિક સિદ્ધિ છે. કચ્છના બન્નીમાં ચિત્તાના આગમન માટેની તમામ તકનીકી તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે NTCA ના સકારાત્મક રિપોર્ટ બાદ રતનમહાલમાં વાઘની જોડી ઉપલબ્ધ થવાથી બિલાડી કુળના તમામ મુખ્ય વન્યજીવો હવે ગુજરાતમાં ગર્વભેર જોવા મળશે.

આ પણ વાંચોઃ Weather Update: હવામાન વિભાગની આગાહી! 21 ઑક્ટોબર સુધી અનેક રાજ્યોમાં વરસાદ