અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા કદમ કોમ્પ્લેક્સમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલા જાણીતા 'ચોઇસ પાન પાર્લર'ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે અંધારાનો લાભ ઉઠાવીને ચાર જેટલા અજાણ્યા શખ્સો દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરીને અંદર પ્રવેશ્યા હતા. ચોરોએ કેશ કાઉન્ટર (ગલ્લા)માંથી રૂપિયા 48 હજારની રોકડ રકમ તેમજ રૂપિયા 26,400ની કિંમતના મોંઘી સિગારેટના પેકેટો મળીને કુલ રૂપિયા 74,400ના મત્તાની ચોરી આચરી હતી અને ફરાર થઈ ગયા હતા.
સીસીટીવીમાં કેદ થઈ ચોરીની સમગ્ર ઘટના
સવારે જ્યારે દુકાનના કર્મચારીઓ નિત્યક્રમ મુજબ દુકાને પહોંચ્યા ત્યારે શટર વાંકું વળેલું જોવા મળ્યું હતું. દુકાન અંદર તપાસ કરતાં ગલ્લામાંથી રોકડ અને મોંઘી સિગારેટના પેકેટો ગાયબ જણાતાં ચોરી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. દુકાનમાલિકે સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ ચકાસતાં રાત્રિના સમયે ચાર શખ્સો શટર ઊંચું કરીને અંદર ઘૂસી ચોરી કરતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા હતા.
