અમદાવાદ શહેરમાં વર્ષ 2026ના પ્રથમ નવ મહિનામાં હવાની ગુણવત્તાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે.આ સમયગાળામાં એક પણ દિવસ AQI ગુડ ક્વોલિટીના સ્તરે રહ્યો નથી.કુલ 178 દિવસ AQI મોડરેટ કેટેગરીમાં રહ્યો છે.જ્યારે 48દિવસ ખરાબ, 43 દિવસ અનહેલ્ધી અને બે દિવસ સિવિયર કેટેગરીમાં નોંધાયા છે.

માટીમાંથી ઊડતી ધૂળ PM 10 વધારવાનું કારણ

જાન્યુઆરીથી મે 2026 સુધી શહેરનો AQI આંક મોડરેટ મોડ પર રહ્યો હતો.એપ્રિલમાં 30માંથી 24 દિવસ AQI મોડરેટ કેટેગરીમાં હતો.હવે સપ્ટેમ્બરના છેલ્લા 10 દિવસમાં PM 2.5 અને PM 10ના પ્રમાણમાં વધારો થતાં હવાની ગુણવત્તા અંગે ફરી ચિંતા વધી છે.શહેરમાં સતત ચાલી રહેલા બાંધકામ,ઉદ્યોગોના ધુમાડા, તૂટેલા રસ્તા અને ખુલ્લી માટીમાંથી ઊડતી ધૂળ PM 10 વધારવાનું કારણ છે.

અમદાવાદની હવા

પીક અવર્સ દરમિયાન હવાની ગુણવત્તા વધુ બગડતી રહી છે

શહેરમાં વાહનોની અવરજવર વધતાં પીક અવર્સ દરમિયાન હવાની ગુણવત્તા વધુ બગડતી રહી છે.સવાર-સાંજના વ્યસ્ત સમયે રસ્તાઓ પર વાહનોનો ધુમાડો, ટ્રાફિકની ભીડ અને બાંધકામની ધૂળ ભેગી થતાં લોકોને આંખોમાં બળતરા, ગળામાં ખારાશ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

પ્રદૂષિત હવામાં રહેવું જોખમી બની શકે છે

બાળકો, વૃદ્ધો અને પહેલેથી શ્વાસ કે હૃદય સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં રહેવું જોખમી બની શકે છે. પીક અવર્સ દરમિયાન AQIના વધતા આંકડા શહેરની ટ્રાફિક વ્યવસ્થા, વાહન ઉત્સર્જન અને પ્રદૂષણ નિયંત્રણના પગલાં સામે પણ સવાલો ઊભા કરે છે.અમદાવાદમાં AQI માપવા માટે કુલ નવ સ્ટેશન છે, જેમાંથી આઠ કાર્યરત છે. મણિનગર અને ગ્યાસપુર સ્ટેશનમાં AQIના આંક ઊંચા નોંધાઈ રહ્યા છે.