ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીના અમલ વચ્ચે કાયદેસર રીતે દારૂ મેળવવા માટેની ‘હેલ્થ લિકર પરમિટ’ મેળવવામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, છેલ્લા સાડા નવ મહિનાના સમયગાળામાં જ રેકોર્ડબ્રેક 3,048 લોકોને હેલ્થ લિકર પરમિટ મંજૂર કરવામાં આવી છે. આ પરમિટ મેળવવા માટે અરજદારો દ્વારા ‘રાત્રે ઊંઘ ન આવવી’ (ઇન્સોમ્નિયા/અનિદ્રા) સહિતની વિવિધ શારીરિક અને માનસિક તકલીફોના તબીબી કારણો આગળ ધરવામાં આવ્યા છે. દારૂબંધી ધરાવતા રાજ્યમાં તબીબી કારણોસર પરમિટ મેળવનારાઓની સતત વધતી સંખ્યા હવે ચર્ચાનો વિષય બની છે.
હેલ્થ લિકર પરમિટ’ મેળવવામાં ભારે ઉછાળો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ મેડિકલ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી પરમિટના ચોંકાવનારા આંકડા.છેલ્લા સાડા નવ માસ દરમિયાન સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડ સમક્ષ મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી, જેમાંથી કુલ 3,048 અરજીઓ માન્ય રાખવામાં આવી છે.પરમિટ મેળવનારાઓમાં પુરુષોની સંખ્યા સૌથી વધુ છે, જેમાં 2,885 પુરુષોને હેલ્થ ગ્રાઉન્ડ પર લિકર પરમિટ આપવામાં આવી છે.આ યાદીમાં મહિલાઓ પણ પાછળ નથી; અમદાવાદમાં કુલ 163 મહિલાઓને પણ તબીબી કારણોસર હેલ્થ લિકર પરમિટ ઇશ્યૂ કરવામાં આવી છે.
‘રાત્રે ઊંઘ નથી આવતી’, અનિદ્રા સહિતના કારણો આગળ ધરાયા
હેલ્થ લિકર પરમિટ મેળવવા માટે અરજદારો દ્વારા રજૂ કરવામાં આવતા કારણો રસપ્રદ છે.મોટાભાગના અરજદારો દ્વારા રાત્રે અનિદ્રાની સમસ્યા (ઊંઘ ન આવવી), માનસિક તણાવ, હૃદય સંબંધિત જૂની બીમારીઓ કે ક્રોનિક ડિસીઝના તબીબી પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલ સમક્ષ અરજદારના શારીરિક પરીક્ષણ અને જરૂરી મેડિકલ રિપોર્ટ્સની ચકાસણી બાદ ચોક્કસ ક્વોટામાં દારૂના સેવન માટે મંજૂરી આપવામાં આવતી હોય છે.છેલ્લા કેટલાક સમયથી જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ અને તણાવનું કારણ દર્શાવીને હેલ્થ પરમિટ માટે અરજી કરનારા વર્ગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
દારૂબંધી વચ્ચે કાયદેસર પરમિટ લેવાનો ક્રેઝ કેમ વધ્યો?
ગુજરાતમાં નશાબંધી કાયદા હેઠળ સામાન્ય રીતે દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે, પરંતુ નિયમ મુજબ ચોક્કસ વયમર્યાદા અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા નાગરિકોને મેડિકલ બોર્ડની ભલામણથી લિકર પરમિટ આપવામાં આવે છે.ગેરકાયદે દારૂ ખરીદવાના જોખમ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે આર્થિક રીતે સદ્ધર વર્ગ સત્તાવાર હેલ્થ પરમિટ મેળવવાનો માર્ગ પસંદ કરી રહ્યો છે.પરમિટ મળ્યા બાદ ધારકો માન્ય લિકર શોપ (હોટેલ કે કાઉન્ટર) પરથી નિર્ધારિત માત્રામાં સીલબંધ વિદેશી દારૂ કાયદેસર રીતે ખરીદી શકે છે.
આ પણ વાંચો: October 19 2026: અમેરિકાના વિદેશ પ્રધાનની ભારત મુલાકાત, ભારત-ન્યુઝીલેન્ડ FTA લાગુ