અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં લગાવવામાં આવેલા મહિલાઓની સુરક્ષાને લગતા બોર્ડ હાલમાં ભારે વિવાદનું કેન્દ્ર બન્યા છે. આ બોર્ડ પરના વિવાદાસપ્દ લખાણને કારણે ટ્રાફિક પોલીસની આબરૂની ફજેતી થઇ છે અને અનેક સવાલો ઉભા થયા છે. સોલા સહિત શહેરના અનેક વિસ્તારોમાં આવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેના પરનું લખાણ મહિલાઓની સુરક્ષાને બદલે તેમના પર દોષારોપણ કરતુ હોય તેવું લાગી રહ્યું છે.
'એ રંગલી રાતની પાર્ટીમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઇ શકે'
આ બોર્ડ પર લખેલા વાક્યો જેવા કે, "એ રંગલી રાતની પાર્ટીમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઇ શકે" અને "અંધારામાં સૂમસામ જગ્યાએ રંગલીને લઇ જવું નહીં" એ ભારે રોષ જગાવ્યો છે. આ લખાણ સીધું મહિલાઓને દોષિત ઠેરવતું અને તેમના પહેરવેશ કે વર્તન પર સવાલ ઉઠાવતું હોવાનું મનાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પોન્સર કરાયેલા આ બોર્ડ જાહેરમાં લગતા જ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
AAP ના પ્રવક્તાનું નિવેદન
તમને જણાવી દઈએ કે, AAP ના પ્રવક્તા કરણ બારોટે આ મામલે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 6500 થી વધુ બળાત્કારના બનાવો બન્યા છે. તેમણે પ્રશાસનની નિષ્ફળતા પર આંગળી ચીંધીને પૂછ્યું કે, આવા બોર્ડ લગાવીને શું પોલીસ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે? આ ઘટનાએ પોલીસ તંત્રની માનસિકતા પર ગંભીર સવાલો ઉભા કાર્ય છે. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાને બદલે તેમણે શું કરવું અને શું ન કરવું તેની સલાહ આપતા આવા બોર્ડથી સમાજમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે.









