અમદાવાદ શહેર એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે બાતમીના આધારે લાલ દરવાજા સ્થિત જીપીઓ (General Post Office) ખાતે દરોડો પાડીને નશાકારક કફ સિરપના ગેરકાયદેસર સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ.59.41 લાખની કિંમતની કુલ 5,050 કફ સિરપની બોટલો ધરાવતા 34 જેટલા શકમંદ પાર્સલ કબ્જે કર્યા છે. એસઓજીની આ ત્વરિત અને ચોક્કસ કાર્યવાહીના કારણે અમદાવાદથી ચાલી રહેલા નશાકારક દવાઓના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
મિઝોરમની બોગસ કંપનીના નામે ચાલતું હતું રેકેટ
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ નશાકારક કફ સિરપનો જથ્થો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બુક કરાવીને પૂર્વોત્તર રાજ્ય મિઝોરમ ખાતે મોકલવામાં આવી રહ્યો હતો. આ સમગ્ર કૌભાંડ મિઝોરમમાં એક બોગસ (ફેક) કંપનીના નામે ચલાવવામાં આવી રહ્યું હતું. કાયદાકીય એજન્સીઓની નજરથી બચવા માટે પોસ્ટલ પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી કફ સિરપનો મોટો જથ્થો અન્ય રાજ્યમાં સપ્લાય કરવાનું સુઆયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જેનો એસઓજીની ટીમે સમયસર પર્દાફાશ કર્યો છે.
