અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓને જ ઠગવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ચાલી રહેલી અરજીની તપાસનો નિકાલ કરાવી આપવાના નામે ખોટી લાલચ આપીને પિતા-પુત્રએ 50 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા.
સાબરમતી UGVCL પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સામેની તપાસ મામલે ખાનગી શખ્સ એન. ડી. ચૌધરીએ સંપર્ક કર્યો હતો અને કામ પતાવી આપવાના બદલામાં માટી રકમની માંગણી કરી હતી. પીડિત પોલીસ કર્મચારીઓએ આરોપીઓના કહેવાથી થલતેજ ગુરુદ્વારા પાસે આવેલા રહેણાંક મકાન નજીક જઈને પિતા-પુત્રને 50 લાખ રૂપિયા રોકડા સુપરત કર્યા હતા.
રૂપિયા આપ્યા બાદ પણ કામ ન થતાં વધુ 10 લાખની માગ અને ધમકી
કરોડો અને લાખો રૂપિયા ચૂકવ્યા બાદ પણ જ્યારે અરજીનો નિકાલ આવ્યો નહીં, ત્યારે પોલીસ કર્મચારીઓએ આરોપીઓનો સંપર્ક કરી ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ ઠગાઈ કરનારા પિતા-પુત્રએ લુચ્ચાઈ વાપરીને અરજીનો નિકાલ કરવાને બદલે ઊલટાનું વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. માત્ર એટલું જ નહીં, જો સમયસર વધારાના રૂપિયા નહીં આપવામાં આવે તો તપાસના મામલે ગંભીર ગુનો દાખલ કરાવી દેવાની ધમકી પણ આપી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પિતા-પુત્રની કરી ધરપકડ
પોતાની સાથે આ પ્રકારે છેતરપિંડી અને બળજબરીથી બ્લેકમેઇલ કરી નાણાં પડાવવાનો પ્રયાસ થતા આખરે ભોગ બનનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ગંભીર ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિષ્ણુભાઈ અને તેમના પુત્ર આકાશ વિષ્ણુભાઈની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે, આ પિતા-પુત્રએ અગાઉ અન્ય કોઈ વ્યક્તિ કે પોલીસ કર્મીઓ સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં.

આ પણ વાંચો: Ahmedabad News : AMC ફ્લાવર શો 1 થી 18 જાન્યુઆરી યોજાવાની શક્યતા, ફ્લાવર શો અને અટલ બ્રિજના ટિકિટ દર નક્કી