અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી રોકવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાણીપ વિસ્તારમાં આવેલા એક હેર સલૂનમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સલૂનમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવતાં ક્રાઈમ બ્રાન્ચે ત્વરિત કાર્યવાહી કરીને હિરેન ભટ્ટ નામના યુવકની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી.
રૂપિયા 1.15 લાખનું ડ્રગ્સ જપ્ત
પોલીસ ટીમે દરોડા દરમિયાન સલૂનમાંથી 38 ગ્રામ 390 મિલિગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે. બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત રૂ.1,15,000 જેટલી થવા જાય છે. હેર સલૂનની ઓટલે કે અંદર નશીલા પદાર્થનું વેચાણ કે સંગ્રહ થતો હોવાનો ખુલાસો થતાં આસપાસના વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
