શહેરમાં લાંબા સમયથી નાસતા ફરતા અને વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓને પકડી પાડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે ઈસનપુર ચાર રસ્તા બ્રિજ નીચે વોચ ગોઠવીને શૈલેષ પટેલ નામના આરોપીને દબોચી લીધો હતો.
આરોપી 15 વર્ષ સુધી કોર્ટ અને પોલીસથી ભાગતો રહ્યો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી શૈલેષ પટેલ ધરપકડથી બચવા માટે પોતાનું રહેઠાણ બદલીને છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં છુપાઈને રહેતો હતો અને પોલીસને થાપ આપી રહ્યો હતો.આરોપી શૈલેષ પટેલનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું છે કે, તેની સામે વર્ષ 2010 માં અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધાયા બાદ તે છેલ્લા 15 વર્ષથી સતત ફરાર હતો.
