અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ગુપ્ત બાતમીના આધારે અનેક જટિલ અને વણઉકેલાયેલા ગુનાઓનો પર્દાફાશ કરીને સફળતા મેળવી છે.ક્રાઇમ બ્રાન્ચની વિવિધ સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મર્ડર, બાળ તસ્કરી, બોગસ ચલણી નોટો અને ચોરી જેવા અનેક ગુનાઓ સામે આવ્યા છે.   

કોસંબાનું ત્રિપલ મર્ડર મિસ્ટ્રી

સૌથી ચોંકાવનારા કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચે ચાર-પાંચ વર્ષ જૂના ત્રિપલ મર્ડરનો ભેદ ઉકેલ્યો છે.આરોપી માધવદાસ સાધુ અને તેની પત્ની ઉર્મિલાએ સંપત્તિ પચાવી પાડવા તેમજ બીમારીથી કંટાળીને દાદી સાસુ શાન્તાબેન,માતા મંજુલાબેન અને સાળી ભારતીની ઓશીકા વડે શ્વાસ રૂંધાઈને હત્યા કરી હતી.શાન્તાબેનની લાશને સિમેન્ટના ડ્રમમાં દાટી દેવામાં આવી હતી.   

પત્ની અને પ્રેમીએ જ પતિની હત્યા કરી કેનાલમાં ફેંક્યો

સુરેન્દ્રનગરના સોલડી ગામના શાંતિગીરી ગોસ્વામીની હત્યા તેમની પત્ની જાગૃતિબેન અને પ્રેમી કાંતિલાલે મળીને કરી હતી. બંનેએ ગળાટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી અને આશરે 7 મહિના સુધી આ ગુનો છુપાવી રાખ્યો હતો.   

બનાવટી ચલણી નોટોનું નેટવર્ક

અમરાઈવાડી વિસ્તારમાંથી એક ફોર્ચ્યુનર કારમાંથી ૬ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. સુરત ખાતે આશ્રમ ચલાવતા પ્રદીપ જોટંગિયા અને મુકેશ ઠુમ્મર દ્વારા ફોટોશોપ તેમજ અલીબાબા વેબસાઇટ પરથી ચાઇનીઝ સિક્યુરિટી થ્રેડ પેપર મંગાવી બનાવટી નોટો છાપવાનું કૌભાંડ સામે આવ્યું હતું. તપાસ દરમિયાન રૂ.28 લાખથી વધુની બોગસ નોટો જપ્ત કરવામાં આવી હતી.   

બાળ તસ્કરી અને NRI મહિલાની ચોરીનો કેસ

નોબલનગર ત્રણ રસ્તા પાસેથી નવજાત બાળકની તસ્કરી કરવા નીકળેલા રોશન અગ્રવાલ અને વંદના પંચાલ સહિતના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સિવાય, અડાલજ ત્રિમંદિર પાસે બસમાં મુસાફરી કરી રહેલાં એક NRI મહિલાના ₹20.20 લાખની કિંમતના સોનાના દાગીના અને સિક્કા ચોરી કરનાર દાહોદની બે મહિલાઓની પણ અટકાયત કરી તમામ મુદ્દામાલ રિકવર કરાયો છે.   

RBIના નામે ₹1.5 કરોડની છેતરપિંડીનો કેસ

ફરિયાદી પ્રવિણભાઇ નાગજીભાઇ બવાડીયાને વોટ્સએપ પર એક ઝિપ ફાઇલ મોકલી, RBI/Risk Control વિભાગના નામે કંપનીના બેંક એકાઉન્ટ પર પ્રતિબંધ આવશે તેવી આશંકા ઊભી કરવામાં આવી હતી.ત્યારબાદ અજાણ્યા શખ્સે ફરિયાદી અને કંપનીના એકાઉન્ટન્ટ સાથે વાતચીત કરી ₹1,50,00,000/-ની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ, સાયબર હેલ્પલાઇન નંબર 1930 ની મદદથી ત્વરિત કાર્યવાહી કરી ફ્રોડમાં ગયેલી રકમમાંથી ₹1,13,53,700/-ની રકમ રિફંડ કરાવવામાં સફળતા મળી છે.   

મિશન સાયબર રક્ષિકા હેઠળ 8 આરોપીઓની ધરપકડ

સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી મહિલાઓને બિભત્સ વિડિયો, ઓડિયો કે લખાણ મોકલી સાયબર સ્ટોકિંગ અને ઓનલાઇન હેરાનગતિ કરતા તત્વો સામે મિશન સાયબર રક્ષિકા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.મહિલા અધિકારીઓ દ્વારા કાઉન્સિલિંગ કર્યા બાદ 11 એફ.આઇ.આર.નોંધવામાં આવી હતી.ટેકનિકલ એનાલિસિસના આધારે અમદાવાદ, ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાન ખાતેથી ૮ સાયબર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને વાંધાજનક પોસ્ટ તથા એકાઉન્ટ્સ દૂર કરાવ્યા છે.

બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ કેસમાં કાર્યવાહી

વર્ષ 2026 દરમિયાન મળેલા વિવિધ બોમ્બ થ્રેટના ઇમેઇલ્સ સંદર્ભે સાયબર ક્રાઇમ સ્ટેશનમાં બીએનએસ (BNS)અને આઇ.ટી.એક્ટ હેઠળ ગુનાઓ દાખલ કરી તપાસ ચલાવવામાં આવી રહી છે. આ ધમકીભર્યા મેઇલ્સ પૈકી કેટલીક તપાસમાં આરોપીઓની ઓળખ મેળવી તેમની અટકાયત કરવામાં આવી છે.