અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ મામલે અત્યંત દુઃખદ અને મોટા સમાચાર સામે આવ્યા છે. આ પ્રચંડ વિસ્ફોટ અને આગકાંડમાં મૃત્યુઆંક વધીને 9 પર પહોંચી ગયો છે. એલ.જી. (LG) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 9 ઈજાગ્રસ્તો પૈકી 8 લોકોના સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યા છે, જેમાં 3 મહિલાઓ, 3 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. હાલ હોસ્પિટલમાં વધુ એક મહિલા ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે, જેને પગલે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

સરકારી SOP બાદ લાયસન્સ રદ થયું હતું

આ ચકચારી કેસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, અગાઉ બનાસકાંઠામાં બનેલી આવી જ એક ઘટના બાદ રાજ્ય સરકારે બનાવેલી નવી એસ.ઓ.પી. (SOP) અંતર્ગત ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયાનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. આમ છતાં, નિયમોની ઐસીતૈસી કરીને ગેરકાયદેસર રીતે આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, દારૂગોળામાં અચાનક કોઈ કારણોસર આગ લાગવાને કારણે આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ઘટના સમયે ફેક્ટરીમાં અંદાજે 15 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

માલિક મેહુલ ડોડિયા અને તેના ભાગીદારો સામે નોંધાશે ગુનો

આ ગંભીર બેદરકારી બદલ ફેક્ટરીના મુખ્ય સંચાલક મેહુલ ડોડિયા અને તેની સાથે જોડાયેલા તમામ જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનું અનુમાન છે કે આ ગેરકાયદે કાળા કારોબારમાં મેહુલના અન્ય 2થી 3 પાર્ટનર્સ પણ સામેલ છે, જે તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-105 (BNS 105 - સાપરાધ મનુષ્યવધ) હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ, અકસ્માતમાં કાનના ભાગે ગંભીર ઈજા પામેલી એક વૃદ્ધ મહિલા હાલ હોસ્પિટલમાં છે, જે મુખ્ય આરોપી મેહુલ ડોડિયાની માતા હોવાની પ્રબળ શક્યતાને આધારે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો