અમદાવાદ શહેરમાં સતત પડેલા વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લેતાં જ શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરવા અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને અગત્યની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. DEO દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, દરેક શાળા સંચાલકે પોતાના વિસ્તારની સ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરીને જ શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે નિર્ણય લેવાનો રહેશે.

વિદ્યાર્થીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા, શાળા પરિસરની ચકાસણી ફરજિયાત

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની સલામતી સાથે સમજૂતી કરી શકાશે નહીં. શાળાઓ શરૂ કરતા પહેલાં શાળાના પરિસરમાં કે વર્ગખંડોમાં ક્યાંય વરસાદી પાણી ભરાયેલા નથી તેની ખાતરી કરી લેવી ફરજિયાત છે. જો શાળા પરિસરમાં પાણી ભરાયા હોય કે જોખમી સ્થિતિ હોય, તો તુરંત યોગ્ય પગલાં લેવા આદેશ કરાયા છે.

રસ્તાઓ અને વાહનવ્યવહારની સ્થિતિ ચકાસવા સૂચના

શાળા સંચાલકોને માત્ર શાળા કેમ્પસ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના અવરજવરના માર્ગોની સુરક્ષા ચકાસવા પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્કૂલ બસ, વાન, ઓટોરિક્ષા તેમજ જાહેર પરિવહનની સેવાઓ નિયમિત અને સુરક્ષિત રીતે ચાલી રહી છે કે નહીં તેની સમીક્ષા કર્યા બાદ જ શાળાઓ પૂર્ણપણે કાર્યરત કરવા જણાવાયું છે.

તમામ શાળાઓને લાગુ પડશે આદેશ, તંત્ર અને વાલીઓ સાથે સંકલન જરૂરી

આ માર્ગદર્શિકા અમદાવાદ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ (ગ્રાન્ટ-ઈન-એડ) અને સ્વનિર્ભર (પ્રાઈવેટ) તમામ શાળાઓને એકસમાન રીતે લાગુ પડશે. જો કોઈ વિસ્તારમાં ભારે પાણી ભરાયા હોય કે જોખમી સ્થિતિ સર્જાય તો શાળા મંડળે તાત્કાલિક નિર્ણય લઈ વાલીઓને સમયસર માહિતગાર કરવાના રહેશે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંકલન જાળવી રાખવું પડશે.


આ પણ વાંચો - 27 July Top News: 27 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ