ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે, અને વધુ એક નિર્દોષ વાહનચાલકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ધંધુકા-બરવાળા રોડ પર ખેતીવાડી ફાર્મ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઈક આડે અચાનક ગાય આવી ગઈ હતી. બાઈક ગાય સાથે એટલી જોરદાર રીતે અથડાયું હતું કે, ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.


ભોળાદ દર્શન કરવા જતાં મિત્રોને નડ્યો કાળ

ઘટનાની મળતી વિગતો અનુસાર, ગીર સોમનાથના કોડીનાર તાલુકાના લવાદર ગામેથી ચાર મિત્રો બે બાઈક લઈને ભોળાદ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ભક્તિભાવ સાથે નીકળેલા આ યુવાનોની સફર ધંધુકા પાસે માતમમાં ફેરવાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ 28 વર્ષીય પ્રદીપકુમાર ભરતદાસ ગોંડલીયા નામના યુવકે દમ તોડી દીધો હતો.

યુવકના મોતથી પરિવારમાં આક્રંદ

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતક યુવકની ઓળખ પ્રદીપકુમાર ભરતદાસ ગોંડલીયા રહેવાસી લવાદર, કોડીનાર તરીકે થઈ છે. માત્ર 28 વર્ષના આશાસ્પદ યુવકના અકાળે અવસાનથી લવાદર ગામ અને તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય એક યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: ચોમાસા પહેલા AMCનો ચોંકાવનારો ખુલાસો, આ વિસ્તારોમાં 'ભુવા' પડવાની ભીતિ, વાંચો લિસ્ટ


  • Follow us on: