અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. શહેરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થાય તે પહેલા જ માત્ર સામાન્ય વરસાદી ઝાપટાં પડતાં જ ધરણીધરથી નેહરુનગર તરફ જતા વસંતભાઈ ગજેન્દ્રગડકર ઓવરબ્રિજની આખી સરફેસ ધોવાઈ ગઈ છે. બ્રિજ પર એટલા મોટા ગાબડા પડ્યા છે કે વાહનચાલકોને દૂરથી ખાડાનો અંદાજ પણ આવતો નથી, જેના લીધે અનેક વાહનો અચાનક બ્રેક મારતા પાછળના વાહનો અથડાઈ રહ્યા છે.

બ્રિજ વાહનચાલકો માટે કમરતોડ અને જોખમી

વર્ષ 2006માં જ્યારે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે પશ્ચિમ અમદાવાદના લોકોને ટ્રાફિકમાંથી મોટી રાહત મળી હતી. પરંતુ યોગ્ય મેઇન્ટેનન્સના અભાવે અને ભ્રષ્ટ કામગીરીના કારણે આજે આ બ્રિજ વાહનચાલકો માટે કમરતોડ અને જોખમી સાબિત થઈ રહ્યો છે.

તંત્રના નબળા સમારકામની ખુલી ગઈ પોલ

સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા અનુસાર, દર વર્ષે રોડ-બ્રિજ રિપેરિંગના નામે ફક્ત સપાટી પર ડામરના થીંગડા મારીને સંતોષ માની લેવાય છે. વરસાદનું પાણી ભરાતાની સાથે જ આ નબળું પેચવર્ક ઉખડી જાય છે અને કપચી રોડ પર પથરાઈ જાય છે. આ કપચીના કારણે મોટરસાયકલ ચાલકો સ્લિપ થઈ રહ્યા છે. શહેરીજનો હવે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે કે જો સામાન્ય વરસાદમાં જ બ્રિજની આ હાલત થતી હોય, તો ભારે વરસાદમાં શું સ્થિતિ સર્જાશે? લોકો તંત્ર પાસે માત્ર ગલી-કૂચીના રોડ નહીં, પરંતુ આ કાળમુખા બ્રિજોનું પણ કાયમી અને મજબૂત રિપેરિંગ થાય તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Surat: કર્ણાટકથી ગિરનાર યાત્રાએ જઈ રહેલા વૃદ્ધનું સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં હાર્ટ એટેક આવતા કરુણ મોત