અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે શરૂ થયા બાદ હવે તેના અમદાવાદના છેડે વાહનોની અવરજવર વધુ સરળ બનાવવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સરદાર પટેલ રિંગરોડ અને આ એક્સપ્રેસવેને જોડતું ઇન્ટરચેન્જ બનાવવાનું નક્કી કર્યું છે.અમદાવાદના રિંગરોડનો ટ્રાફિક અવરોધાય નહીં અને એક્સપ્રેસવે પર આવતાં જતાં વાહનો સિંગલ વેમાં સરળતાથી અવરજવર કરી શકે તે માટેનું આ આયોજન છે. 124.40 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ ઇન્ટરચેન્જ માટેનું ટેન્ડર પણ ગત તા.8 સપ્ટેમ્બરે બહાર પાડી દેવાયું છે.ગત તા.31 માર્ચના રોજ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું સત્તાવાર રીતે વાહનચાલકો માટે લોકાર્પણ કરાયું હતું.
ઈન્ટરચેન્જથી ટ્રાફિકના પ્રવાહને વાળી શકાશે
હાલ એક્સપ્રેસવે અને સરદાર પટેલ રિંગરોડ વચ્ચે જોડાણ છે પરંતુ એક્સપ્રેસવે પર વાહનવ્યવહાર હજુ વધશે તેવા ભવિષ્યના આયોજનને ધ્યાને લઈને સામાન્ય જોડાણ કરતાં અલગ ચઢાણ ઉતરાણવાળા ઇન્ટરચેન્જની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે.ઈન્ટરચેન્જનો મુખ્ય ફાયદો એ છે કે અલગ દિશામાં જતાં વાહનોને એક જ જગ્યાએ એકબીજાને કાપતાં કે રોકાતાં ટ્રાફિકમાં ચલાવવાને બદલે અલગ માર્ગ અને રેમ્પ મારફતે એક રસ્તા પરથી બીજા રસ્તા પર જવાની સુઆયોજિત વ્યવસ્થા બની રહેશે. ધોલેરા તરફ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને વાહનવ્યવહાર વધવાથી ભવિષ્યમાં ટ્રાફિકનું પ્રમાણ વધશે ત્યારે ઈન્ટરચેન્જથી ટ્રાફિકના પ્રવાહને અલગ-અલગ દિશામાં વહેંચવામાં મદદ મળશે.
