અમદાવાદ ગ્રામ્યના ધોળકા શહેરમાં રખડતા ઢોરનો આતંક ફરી એકવાર અત્યંત જીવલેણ સાબિત થયો છે. ધોળકાના GIDC વિસ્તારમાં રસ્તેથી પસાર થઈ રહેલા એક નિર્દોષ વ્યક્તિ પર રખડતા આખલાએ શિંગડા વડે હિંસક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં લોહીલુહાણ થયેલા ઈસમ ત્વરિત યોગ્ય સારવાર મળે તે પહેલાં જ સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
નગરપાલિકા તંત્રની કામગીરી અને દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ
આ કરૂણ ઘટનાને પગલે ધોળકા નગરપાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે સ્થાનિક રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસરે જ્યારે પોતાનો હોદ્દો સંભાળ્યો હતો, ત્યારે શહેરમાંથી રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા અને ટૂંકા સમયમાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની મોટી વાતો કરવામાં આવી હતી. જોકે, આ દાવાઓ છતાં પરિસ્થિતિ જસની તસ રહી છે, જેના પાપે આજે એક નિર્દોષે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
અગાઉ પણ અનેક અકસ્માતો, સ્થાનિકોમાં ભારે આક્રોશ
ધોળકા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓના કારણે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે. સ્થાનિક નાગરિકોના આક્ષેપ મુજબ, વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા આ ગંભીર સમસ્યા પ્રત્યે કોઈ નક્કર અને કાયમી પગલાં લેવામાં આવ્યા નથી. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ રહેતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

જોખમી આખલાઓને તાત્કાલિક પકડવા વેપારીઓ અને નાગરિકોની ઉગ્ર માગ
એક વ્યક્તિનો જીવ ગયા બાદ હવે સ્થાનિકો અને વેપારી મંડળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, તંત્ર હજુ કેટલા લોકોના બલિદાનની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક નાગરિકોએ માગ કરી છે કે, શહેરમાંથી અને ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તાર GIDCમાંથી જોખમી આખલાઓને તાત્કાલિક પકડીને પાંજરે પૂરવામાં આવે અને ભવિષ્યમાં આવી દિલધડક કે જીવલેણ દુર્ઘટનાઓ ના બને તે માટે નક્કર આયોજન કરવામાં આવે.
આ પણ વાંચો - Ahmedabad News : ગોતા સર્વિસ રોડ પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોને ઈજા પહોંચાડી કાર ચાલક ફરાર