અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં માર્ગ સક્ષમતા અને મજબૂતીની દાવાઓની પોલ ખોલતી ઘટના સામે આવી છે. ધોળકાના અત્યંત વ્યસ્ત ગણાતા પુલેન સર્કલથી કલિકુંડ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા સરકારી રેસ્ટ હાઉસ નજીક અચાનક રોડ બેસી જતાં ૫ ફૂટથી વધુ ઊંડા બે મસમોટા ભૂવા પડી ગયા છે.

ધોળકામાં મોટો અકસ્માત સર્જાવાની ભીતિ

મુખ્ય રસ્તાની મધ્યમાં જ અચાનક ગાબડાં પડી જતાં આ માર્ગ પરથી પસાર થતાં દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ અનેકગણું વધી ગયું છે.આ માર્ગ કલિકુંડ વિસ્તારને શહેર સાથે જોડતો મુખ્ય રસ્તો હોવાથી દિવસ-રાત અહીં વાહનોની ભારે અવરજવર રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા અંધારામાં કોઈ વાહનચાલક આ ભૂવામાં ખાબકે તો મોટી હોનારત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

ભૂવા પડતાં વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા

સ્થાનિક રહીશો અને વાહનચાલકો આક્ષેપ કરી રહ્યા છે કે નબળી ગુણવત્તાના રોડ કામ અને યોગ્ય ડ્રેનેજ/ભૂગર્ભ લાઇનના સુપરવિઝનના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ છે.ભૂવા પડ્યા હોવાના સ્થળે તાત્કાલિક સાઇનબોર્ડ અને બેરિકેડ મૂકવામાં આવે જેથી કોઈ વાહન તેમાં ન ખાબકે.ભરચક રસ્તા પર મસમોટા ભૂવા પડતાં રોડ નિર્માણની કામગીરી અને તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ભૂવાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો: Gandhinagar: રાજ્યમાં 144 નાયબ કલેક્ટરોની બદલી, મહેસૂલ વિભાગનો મોટો આદેશ