ભારતમાં ગેરકાયદેસર રીતે વિદેશથી સોનાની તસ્કરી કરતી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ વિરુદ્ધ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અમદાવાદ રીજનલ યુનિટ અને અન્ય ટીમોએ મોટું દેશવ્યાપી ઓપરેશન પાર પાડ્યું છે. DRI દ્વારા દેશના અલગ-અલગ ભાગોમાં એકસાથે 7 જેટલા વિશેષ ઓપરેશન યોજીને કરોડો રૂપિયાની કિંમતનું સોનાનું બુલિયન અને જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તસ્કરો દ્વારા અપનાવવામાં આવતી અનોખી અને ચોંકાવનારી કીમિયાબાજીનો DRIના અધિકારીઓએ પર્દાફાશ કર્યો છે.

દેશભરમાં 7 ઓપરેશન હાથ ધરી કરોડોનું સોનું ઝડપ્યું

ઓપરેશન દરમિયાન DRIને મળેલી ચોક્કસ બાતમીના આધારે હરિયાણાના પલવલ ટોલ પ્લાઝા પાસે એક મહિન્દ્રા થાર ગાડીને અટકાવીને તેનું આકસ્મિક અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓને માલૂમ પડ્યું હતું કે ગાડીની નીચેની ચેસિસમાં ખાસ ગુપ્ત કેવિટી બનાવવામાં આવી હતી. આ ગુપ્ત બોક્સમાંથી 15.18 કિલોગ્રામ સોનાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ સોનું મ્યાનમાર સરહદેથી ભારતમાં ઘૂસાડવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે અને આ કેસમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુપ્ત બોક્સમાંથી 15.18 કિલોગ્રામ સોનાનો જથ્થો મળી આવ્યો

બીજા એક મહત્વપૂર્ણ ઓપરેશનમાં, ઉત્તર પ્રદેશના જેવર ટોલ પ્લાઝા પાસેથી એક શંકાસ્પદ મુસાફરને અટકાવીને તપાસ કરવામાં આવતાં તેની કમરના વિશેષ પટ્ટામાં છુપાવેલું 5.8 કિલોગ્રામ સ્મગલિંગનું સોનું મળી આવ્યું હતું. આ સોનું નેપાળની રાજધાની કાઠમંડુથી ખુલ્લી ભારત-નેપાળ સરહદ મારફતે દેશમાં ઘૂસાડવામાં આવ્યું હતું. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. DRI એ તમામ 7 ઓપરેશનમાં મળીને કસ્ટમ્સ એક્ટ હેઠળ કાયદેસરના ગુના નોંધી આંતરરાષ્ટ્રીય નેટવર્કના અન્ય સભ્યોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો:  Rajkot: કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વખતે ચૌહાણ પરિવારના 3 લોકો ડૂબતાં મોત નીપજ્યા, સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી