ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશવ્યાપી સ્તરે સક્રિય આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી અને સંકલિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સહિત દેશની વિવિધ જોનલ ટીમોના સંકલન સાથે DRI દ્વારા ત્રણ અલગ-અલગ રાજ્યોમાં ચોક્કસ બાતમીના આધારે ઉપરાછાપરી ત્રણ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે. જેમાં હવાઈ અને જમીની માર્ગે થતી ડ્રગ્સ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરી કરોડો રૂપિયાની કિંમતના ઉચ્ચ ગુણવત્તાવાળા ડ્રગ્સ સાથે પાંચ મુખ્ય તસ્કરોને દબોચી લેવાયા છે.

ત્રણ રાજ્યોમાં DRI ના દરોડા

DRI ની ટીમોએ અલગ-અલગ રૂટ અને મોડસ ઓપરેન્ડી પર એકસાથે તવાઈ બોલાવી હતી. ઈન્દોર (મધ્યપ્રદેશ): ઈન્દોર ખાતે હાથ ધરાયેલા દરોડામાં સિન્થેટિક કેમિકલ ડ્રગ્સની ફેક્ટરી/સપ્લાય ચેઈનમાંથી 7 કિલોગ્રામ અત્યંત ઘાતક એમ્ફેટામાઇન (Amphetamine) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. હૈદરાબાદ એરપોર્ટ (તેલંગાણા): વિદેશથી આવી રહેલા એક આંતરરાષ્ટ્રીય મુસાફર પર શંકા જતાં તેની તલાશી લેવાઈ હતી. મુસાફર પાસેથી 5 કિલોગ્રામ પ્યોર કોકેઇન ઝડપાયું હતું. ડ્રગ્સ છુપાવવા માટે તસ્કરે અનોખો કીમિયો અજમાવ્યો હતો,તપાસ દરમિયાન ચોકલેટના રેપરમાં સંતાડેલી 207 જેટલી ડ્રગ્સ ભરેલી કેપ્સ્યુલ્સ મળી આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પંજાબ: સરહદી રાજ્ય પંજાબમાંથી અન્ય એક ઓપરેશન હેઠળ સપ્લાય કરવામાં આવી રહેલું 3.5 કિલોગ્રામ શુદ્ધ હેરોઇન ઝડપી લેવામાં સફળતા મળી છે.

 NDPS એક્ટ હેઠળ ગાળિયો કસાયો

આ ત્રણેય મોટા ઓપરેશન્સ દરમિયાન કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના કુરિયર અને મુખ્ય હેન્ડલર્સ તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે.DRI દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ભારતમાંથી આગળ કયા મહાનગરોમાં સપ્લાય થવાનું હતું અને હવાલા નેટવર્ક મારફતે તેની લેવડદેવડ કેવી રીતે થતી હતી, તે દિશામાં એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: મિત્રની સ્વિફ્ટમાં 6 જણા સવાર હતા ને સ્ટીયરિંગ પરથી કાબૂ છૂટ્યો; પાર્ક કરેલી BMW અને ઈનોવા સહિત ત્રણ કારોનો કચ્ચરઘાણ