ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા મહારાષ્ટ્રમાં વન્યજીવ તસ્કરી વિરૂદ્ધ એક મોટું અને સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. DRI ની ટીમે વન વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે મળીને ગુપ્ત બાતમીના આધારે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના પુરાડા ગામ પાસે તેમજ અલ્લાપલ્લી વિસ્તાર સહિત કુલ ત્રણ સ્થળોએ દરોડા પાડી તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

કિંમતી વન્યજીવ અવશેષો અને જીવંત પ્રાણીઓ જપ્ત

આ સફળ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ ભારે પ્રમાણમાં સંરક્ષિત વન્યજીવો અને તેમના કિંમતી અવશેષો જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલ સામગ્રીમાં હાથીદાંતની 4 નકશીકામ કરેલી વસ્તુઓ, દીપડાનું 1 ચામડું, 3 કિલો વાઘના હાડકાં અને વાઘના 2 દાંતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગેરકાયદેસર વેચાણ માટે લઈ જવાતા 2 જીવંત પેંગોલિન (કીડીખાઉ) પણ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

DRI raids in Maharashtra

11 તસ્કરોની અટકાયત અને આગળની તપાસ

વન્યજીવોની તસ્કરી અને ગેરકાયદે વેપારમાં સંકળાયેલા કુલ 11 લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આ તસ્કરો આંતરરાજ્ય ગેરકાયદેસર વન્યજીવ સિન્ડિકેટ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. DRI અને વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા તથા અન્ય સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરવા આગળની કાનૂની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો