અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સ્થાનિક લોકપ્રતિનિધિઓની અવગણના કરીને ઉતાવળમાં અત્યાધુનિક કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.ગત 3 જુલાઈના રોજ DRM વેદ પ્રકાશે સ્થાનિક સાંસદ દિનેશ મકવાણા,મેયર હિતેશ બારોટ અને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને જાણ કર્યા વિના જ આ કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ કરી દીધું હતું.જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વિના લેવાયેલા આ મનસ્વી નિર્ણયને પગલે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
રેલ વિભાગ અને DRM પાસે સત્તાવાર ખુલાસો માંગશે
આ સમગ્ર મામલે અમદાવાદના સાંસદ દિનેશ મકવાણાએ તીખી પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે,આટલી મહત્વની અને મોટી કામગીરી થઈ રહી હોય ત્યારે સ્થાનિક જનપ્રતિનિધિઓને જાણ કેમ ન કરવામાં આવી?તેમણે રેલ વિભાગની આ મનમાનીને ગંભીરતાથી લઈને હવે કેન્દ્રીય સ્તરે ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે.સાંસદ આ મામલે રેલ વિભાગ અને DRM પાસે સત્તાવાર ખુલાસો માંગશે અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂ મળીને આ અંગે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવશે.
