અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અકસ્માતોની શ્રેણી અટકવાનું નામ નથી લઈ રહી. ગત રાત્રે અમદાવાદ પોલીસ દ્વારા હરિહરાનંદ સર્કલ નજીક નાઇટ કોમ્બિંગ અને સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે આવતી થાર કારને પોલીસે અટકાવવાનો ઇશારો કર્યો હતો.

અમદાવાદમાં ફરી થાર ચાલકનો ક્રેઝી કારનામો

જોકે, કારચાલકે વાહન ઊભું રાખવાને બદલે પોલીસથી બચવા માટે કારની સ્પીડ વધારી દીધી હતી. ભાગવાના ચક્કરમાં થાર ચાલકે રસ્તા પર મૂકેલા બેરિકેટિંગ સાથે કાર અથડાવી હતી અને ત્યારબાદ બેફામ દોડતી કાર રોડ સાઇડની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક પોલીસ ટુકડી તુરંત કાર નજીક પહોંચી ગઈ હતી. પોલીસે જ્યારે 23 વર્ષીય ચાલક મોહિતસિંગ તોમરને કારમાંથી બહાર કાઢ્યો ત્યારે તે દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત હતો અને પગ પર ઊભા રહેવાના બદલે લથડિયાં ખાઈ રહ્યો હતો.

ચેકિંગ દરમિયાન ભાગવા જતાં કાર દિવાલ સાથે ભટકાડી

પોલીસે રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં પીધેલી હાલતમાં વાહન ચલાવવા બદલ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.સરકારી બેરિકેડ્સ અને રસ્તાની મિલકતને નુકસાન પહોંચાડવા બદલ 'ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ' ની કલમો ઉમેરવામાં આવી છે.પોલીસે આરોપી મોહિતસિંગ તોમરની ધરપકડ કરી થાર કાર જપ્ત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Hockey World Cup 2026: કેપ્ટન હરમનપ્રીતના 2 ગોલ, ભારતે વેલ્સને 3-1 થી ચટાડી ધૂળ