ગુજરાત મોડેલની વાતો કરતી સરકારે 18 વર્ષથી ગામડે-ગામડે ડિજીટલ સેવા પહોંચાડતા 1500 પરિવારોના ચૂલા ઠારી દીધા છે.ઈ-ગ્રામ પ્રોજેક્ટના કર્મચારીઓને નાણાંકીય તંગીનું બહાનું બતાવી છૂટા કર્યા બાદ હવે એ જ જગ્યા ઉપર કરોડોના ટેન્ડર કાઢીને તિજોરી લૂંટવાનું કારસ્તાન રચાયું હોવાનો ગંભીર આક્ષેપ ગુજરાત સ્ટેટ તાલુકા લેવલ એક્ઝિક્યુટીવ એસોસિએશને કર્યો છે.એસોસિએશન પ્રમુખ પ્રતિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આકરા સવાલ સાથે વેધક પ્રશ્નો રજૂ કરતા સરકારની છબી ઉપર શંકા-કુશંકા જન્મી છે. જો પ્રોજેક્ટ માટે પૈસા નથી તો 300 કરોડ ક્યાંથી આવ્યા ?

પ્રોજેક્ટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી
તેમણે કહ્યું હતું કે, મુખ્ય પ્રોજેક્ટ બંધ કર્યા પછી પણ TLEs સાથે સંકળાયેલા મેનપાવર પ્રોજેક્ટ હેઠળ 30 લોકોને બેઠેબેઠી નિમણૂક આપીને ચાલુ રાખવામાં આવ્યો છે.એટલે પ્રોજેક્ટ બંધ નથી માત્ર ગરીબ કર્મચારીને કાઢીને પોતાના માણસો ગોઠવવાનું ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે,એક તરફ પ્રોજેક્ટ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ GIL દ્વારા અંદાજે 300 કરોડના બે મોટા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.જેમાં 12000થી વધુ કોમ્પ્યુટરની ખરીદી માટે રૂ.150 કરોડનું ટેન્ડર, અને રૂ.36 કરોડના MS Office લાયસન્સની ખરીદી અને પ્રિન્ટર-વેબકેમેરાની ખરીદી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પંચાયત વિભાગના બે અધિકારીઓનું કારસ્તાન હોવાનો આક્ષેપ
આ મામલે એસોસિએશને ACB પાસે તપાસ કરવાની માંગણી કરી છે અને 300 કરોડના ટેન્ડર રદ કરવા,વાર્ષિક મેન્ટેનન્સ (AMC) ફરી શરૂ કરવા અને જુના કર્મચારીઓને પરત લેવાની માંગ કરી છે.એસોસિએશનના પ્રમુખે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એવો આક્ષેપ કર્યો છે કે, પંચાયત વિભાગના મુખ્ય હિસાબી અધિકારી અને તેમના આઉટસોર્સ કર્મચારીઓનું આ ષડયંત્ર છે. આ કર્મચારી-અધિકારીઓની મીલીભગત હોય તમામ સામે ઓપરેશન ગંગાજળ હેઠળ કાર્યવાહી કરી તેમની સંપત્તિની તપાસ કરવા માંગણી કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: ગોતામાં AMCના પ્લોટનું ભાડું ચૂકવ્યા વિના જ ચાર દિવસ ગરબા યોજાયા, આખરે સીલ મારી દેવાયુ