એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શેરબજારમાં કથિત ગેરરીતિ અને રોકાણકારો સાથેની છેતરપિંડીના મામલે છ શહેરોમાં 29 સ્થળોએ વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે. મુંબઈ EDની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ગુજરાતના ચાર મુખ્ય શહેરો - અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર - ઉપરાંત મુંબઈ અને નાશિકનો સમાવેશ થાય છે. સંસ્થા દ્વારા PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ આ આખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું નેટવર્ક ખુલ્લું પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

વોટ્સએપ ગ્રુપ્સ દ્વારા ટિપ્સ અને ભાવમાં કૃત્રિમ રીતે ચેડાં

તપાસ અધિકારીઓ મુખ્યત્વે બે ચોક્કસ કંપનીઓના શેરના વ્યવહારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને 'મલ્ટિબેગર' નામના વોટ્સએપ એડવાઈઝરી ગ્રુપ્સ મારફતે ચોક્કસ શેર ખરીદવાની ખોટી ટિપ્સ આપવામાં આવતી હતી. સંચાલકો દ્વારા કૃત્રિમ રીતે શેરના ભાવ વધાર્યા બાદ, આ વોટ્સએપ ગ્રુપ્સ અચાનક ડિલીટ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સંબંધિત શેરોના ભાવમાં 70 ટકા સુધીનો મોટો કડાકો બોલાઈ ગયો હતો.

નાના રોકાણકારોને નુકસાન અને PMLA હેઠળ ચાલુ તપાસ

પ્રાથમિક અંદાજ મુજબ આ સુનિયોજિત 'પમ્પ અને ડમ્પ' સ્કીમને કારણે 1 લાખથી વધુ નાના અને સામાન્ય રોકાણકારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. દરોડા દરમિયાન EDની ટીમે મહત્વના દસ્તાવેજો, નાણાકીય હિસાબો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરીને ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. કૌભાંડમાંથી ઊભા કરાયેલા નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને આ માસ્ટરમાઇન્ડ પાછળ કોણ છે તે શોધવા માટે EDની આ તપાસ હાલ યથાવત ચાલી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો