અમદાવાદ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં અનેક વિસ્તારોમાં રહીશો માટે સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. શહેરના પોશ ગણાતા જગતપુર નજીકના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો પછી પણ ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય માર્ગો તળાવમાં ફેરવાઈ જતાં સ્થાનિક રહીશો તંત્રના અણઘડ વહીવટ સામે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.

મુખ્ય ચાર રસ્તાની ચારેય તરફ પાણી જ પાણી

ગોદરેજ ગાર્ડન સિટીના મુખ્ય ચાર રસ્તા પર ચારેય તરફ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ ચાર રસ્તાની એક તરફ વિશાળ રહેણાંક સોસાયટીઓ આવેલી છે જ્યારે બીજી તરફ શાળા આવેલી છે. રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાના કારણે શાળાએ જતા નાનાં બાળકો, વાલીઓ તેમજ નોકરી-ધંધે જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના કારણે વાહનો બંધ પડી જવાના અને પગપાળા જતાં રાહદારીઓ લપસી પડવાના બનાવો પણ બની રહ્યા છે.

તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવી સ્થાનિકોની માંગ

વરસાદ અટક્યા બાદ પણ કલાકો સુધી પાણી ન ઓસરતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પંપિંગ મૂકીને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે ડ્રેનેજ લાઈનની સુધારો કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો