અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારના જલારામ અંડરપાસની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે.આ અંડરપાસના છતના ભાગેથી સિમેન્ટના મોટા પોપડા ઉખડી રહ્યા છે.જેના કારણે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાવા લાગ્યા છે.બ્રિજની ઉપરના ભાગેથી પોપડા ગમે ત્યારે નીચે ધસી પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.આ અંડરપાસમાંથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થાય છે.ત્યારે ચાલુ વાહને કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને લોકોના જીવ જોખમમાં મુકાય તેવી ભીતિ સેવાઈ રહી છે.


બ્રિજની ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા

આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન અને મેઇન્ટેનન્સના કામોની પોલ ખુલ્લી પડી ગઈ છે.સ્થાનિકોના આક્ષેપ અનુસાર,અગાઉ પણ આ જ અંડરપાસમાં સળિયા દેખાયા હતા.પરંતુ તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા ખાતર અત્યંત હલકી ગુણવત્તાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું.સળિયા ખુલ્લા હોવા છતાં તેનું વૈજ્ઞાનિક ઢબે યોગ્ય રિસરફેસિંગ કે મજબૂતીકરણ કરવામાં આવ્યું નથી.જેને કારણે અંડરપાસ ફરીથી બિસ્માર હાલતમાં આવી ગયો છે.

વાહનચાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ 

એએમસીની આ ઘોર બેદરકારીને લીધે વાહનચાલકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે જો આ નબળા પડી ગયેલા બ્રિજનું તાત્કાલિક યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે.તો પાણીના લીકેજથી સ્ટ્રક્ચર વધુ નબળું પડી શકે છે.નાગરિકોની માંગ છે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર, ભ્રષ્ટાચાર મુક્ત અને ગુણવત્તાયુક્ત કાયમી કામગીરી હાથ ધરે જેથી નિર્દોષ વાહનચાલકોના જીવ બચાવી શકાય.


આ પણ વાંચોઃ Gujarat News: સ્કૂલો ખૂલતા જ વાલીઓના ખીસ્સા પર બોજ વધ્યો, સ્કૂલવાનના ભાડામાં વધારો


  • Follow us on: