અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં ચાલતા એક ચોંકાવનારા ગેરકાયદેસર કૌભાંડનો પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. શાહપુરમાં આવેલી હલીમની ખડકી પાસે મઢવાળાની પોળના એક મકાનમાં નકલી બ્રાન્ડેડ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું હતું. આ ગિરોહ દ્વારા સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ અને ફ્લેવર ઉમેરીને તેને મોંઘી બ્રાન્ડેડ બોટલોમાં પેક કરી વેચવાનો કારસો રચવામાં આવ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે PCBની ટીમે દરોડો પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડમાં ફેરવવાનું કૌભાંડ
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મંદિપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાની નામના 4 આરોપીઓની ધરપકડ કરી છે. સ્થળ પરથી 227 બોટલ વિદેશી દારૂ, કેરબામાં ભરેલો દારૂ, બ્રાન્ડેડ કંપનીઓની ખાલી બોટલો, સ્ટીકરો, બુચ, ફ્લેવર તેમજ બોટલ સીલ કરવા માટે વપરાતું હેર ડ્રાયર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે 5 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ.1.56 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
