અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માટે મીઠાઈની દુકાનો અને માવાના વેપારીઓ પર કડક તપાસ અભિયાન યથાવત રાખવામાં આવ્યું છે.તહેવારોની ઋતુ પૂર્વે જ ભેળસેળિયા વેપારીઓ સામે AMCએ લાલ આંખ કરી છે.તાજેતરમાં કરાયેલી કાર્યવાહી દરમિયાન શહેરના કાલુપુર અને બાપુનગર વિસ્તારમાં મોટા પાયે અસ્વચ્છતા જોવા મળતા મીઠાઈની દુકાનો અને કારખાનાઓને સીલ કરી દેવામાં આવ્યા છે.

કાલુપુરમાં કનૈયાલાલ માવા વાળાની દુકાન સીલ

કાલુપુર વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી કનૈયાલાલ માવા વાળા નામની દુકાન પર ફૂડ વિભાગની ટીમે આકસ્મિક દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન ત્યાં ઉપલબ્ધ કાજુ કતરીનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.આ ટેસ્ટમાં કાજુ કતરી પર લગાવાયેલો ચાંદીનો વરખ અસલીને બદલે અન્ય ધાતુનો હોવાનું ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું. AMCની ટીમે ત્વરિત કનૈયાલાલ માવાવાળાની દુકાનને સીલ કરી દીધી હતી. AMCના ફૂડ વિભાગે દરોડાનો દૌર આગળ ધપાવતા બાપુનગર વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી. 

બાલાજી માવા વાળા નામની પેઢીને પણ સીલ કરી

બાપુનગરમાં ગુણવત્તા વગરની સામગ્રીથી કાજુ કતરી બનાવતું એક આખું કારખાનું ઝડપી પાડીને તેને પણ સ્થળ પર જ સીલ કરી દેવાયું છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી મંજૂરી કે ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ધમધમતી બાલાજી માવા વાળા નામની પેઢીને પણ સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. AMCના અધિકારી સુત્રોએ કહ્યું હતું કે, શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ નાના મોટા વેપારીને બક્ષવામાં આવશે નહીં.જે પણ મીઠાઈ કે ફરસાણની દુકાનોમાં અસ્વચ્છતા, ભેળસેળ કે લાયસન્સ વગરનું વેચાણ જણાશે તેમની સામે સીલિંગ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ