આ વર્ષે અલનીનોની અસરને કારણે વરસાદની ઘટ નોંધાઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળાશયો ખાલીખમ જોવા મળ્યા છે. વરસાદની વિદાય બાદ ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેના કારણે ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી મળવું પણ અઘરૂ છે. ત્યારે ખેતીના નુકસાન માટે ખેડૂતો રાજ્ય સરકારને દુષ્કાળ જાહેર કરવાની માગ કરી રહ્યા હતાં. જેની સામે સરકારે રાજ્યના માત્ર ચાર જ જિલ્લામાં અછત જાહેર કરી હતી. જેથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહારાષ્ટ્ર સરકાર બે લાખ સુધીના પાક ધિરાણ માફ કરે છે તો ગુજરાત સરકાર કેમ કરતી નથી? અત્યાર સુધીની ચાર યાદીમાં મહારાષ્ટ્રમાં 40થી 45 લાખ જેટલા ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થશે.

તો 12મી નવેમ્બરથી લડત શરૂ કરાશે..

જો ગુજરાત સરકાર દિવાળી સુધીમાં સહાયના નિર્ણય અંગે વિચારણા નહિ કરે તો 12મી નવેમ્બરથી લડત શરૂ કરાશે.ખેડૂતોના પાક ધિરાણ માફ કરવા,વીજ લાઈનોમાં માર્કેટ રેટના ચાર ગણું વળતર આપવાની માગ સાથે આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવશે. તેમ કિસાન કોંગ્રેસ સાથે જોડાયેલા ખેડૂત આગેવાનોનું કહેવું છે. આ તરફ ભારતીય કિસાન સંઘ સાથે સંકળાયેલા ખેડૂત આગેવાનો કહે છે કે,સરકારે ચાર જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે.જોકે રાજ્યના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ વરસાદની અછત છે.

સહાયની રકમ ઓછી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યાં છે

જે તાલુકાઓ બાકાત છે તેને અછતગ્રસ્ત જાહેર કરવા જોઈએ,બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માગણી ઊઠી છે.ખેડૂત આગેવાનો કહે છે કે,અછત નક્કી કરતી વખતે વરસાદના આંકડાને બદલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનને પણ ધ્યાને લેવું જરૂરી છે.ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં પાણીની અછતને કારણે ખેડૂતની કમર ભાંગી ગઈ છે. રાજ્ય સરકારે અછત તો જાહેર કરી છે પણ તેની સામે સહાયની રકમ ઓછી હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ Ahmedabad: પ્રશાંત રબારીની ₹2 કરોડથી વધુની સંપત્તિ જપ્ત, CBIની ફરિયાદ બાદ ED એક્શનમાં