અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગહન શોક વ્યક્ત કર્યો છે. પીએમઓ દ્વારા સત્તાવાર ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રધાને આ અકસ્માતમાં જાનહાનિ થવા બદલ અત્યંત દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના પાઠવી છે. આ સાથે જ તેમણે અકસ્માતમાં ભોગ બનેલા ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી હોવાની ખાતરી પણ પીએમઓએ આપી છે.

PM રાષ્ટ્રીય રાહત ફંડમાંથી મોટી આર્થિક સહાયની જાહેરાત

આ આગ દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોની વહારે આવતા વડાપ્રધાને મોટી આર્થિક સહાયની જાહેરાત કરી છે. પીએમ રાષ્ટ્રીય રાહત ફંડમાંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, ફેક્ટરીમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને રૂ. 50,000ની આર્થિક મદદ પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી તેમની સારવારમાં કોઈ અડચણ ન આવે.

lifestyle1 (8)

CMએ વ્યક્ત કર્યું દુઃખ: મૃતકોના પરિવારોને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને ગહન શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતમાં જીવ ગુમાવનારા નાગરિકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવી છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તોને જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

lifestyle1 (9)

અમદાવાદ બ્લાસ્ટ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ ઘટના અંગે પોલીસ દ્વારા સ્થળ પર તપાસની સઘન કાર્યવાહી અત્યારે ચાલુ છે અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા તત્વોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. DyCM હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, આ ગંભીર ઘટના સંદર્ભે એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી છે, અને આ બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વિસ્તૃત માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

https://twitter.com/sandeshnews/status/2078452632671457568

ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગમાં 9 લોકોના મોત

ગત્રાડ રોડ પર આવેલા મહેમુદપુરા વિસ્તારની 'ટેલેન્ટ ફટાકડા ફેક્ટરી'માં બપોરે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આ ભીષણ આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીની અંદર મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને ફટાકડાનો જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટેગોટા વચ્ચે અંદર કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાની તક જ મળી ન હતી. મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત નિપજ્યા છે, જેનાથી સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.

https://twitter.com/sandeshnews/status/2078459396867465659

10 થી વધુ લોકો ઘાયલ, સ્થાનિક તંત્ર બચાવ કામગીરીમાં વ્યસ્ત

આગની આ ઘટનામાં ફેક્ટરીની અંદર અને આસપાસ હાજર 10 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્થાનિક તંત્ર ઘટના સ્થળે કાટમાળ હટાવવા તેમજ સર્ચ ઓપરેશન ચલાવવામાં વ્યસ્ત છે. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

https://twitter.com/sandeshnews/status/2078458898386944228



આ પણ વાંચો - Video: Ahmedabadના ગત્રાડ રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 9 લોકોના મોત