અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અસ્વચ્છ અને અપ્રમાણિત ખાદ્યપદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી 7 એકમો સીલ કરવામાં આવ્યા છે. સૈજપુર બોઘા સ્થિત મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની કેન્ટીનમાં લાયસન્સનો અભાવ તેમજ ખાદ્યપદાર્થોમાં કીડીઓ અને ધનેરા જોવા મળતા તેને સીલ કરાઈ છે. આ ઉપરાંત કાંકરિયા ખાતે આવેલી 'મેડ ઓવર ગ્રીલ્સ' રેસ્ટોરન્ટના સ્ટોર રૂમમાં મેદામાંથી જીવાત મળી આવતાં તંત્ર દ્વારા તેને પણ સીલ મારી દેવામાં આવ્યું છે.
સંતોષ ઘી ભંડાર અને રાજેશ દૂધ ઘર બંધ કરાવાયા
ફૂડ વિભાગની તપાસ દરમિયાન અગાઉ લેવાયેલા ખાદ્યપદાર્થોના સેમ્પલ ફેલ થવાના આધારે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. માધુપુરામાં આવેલા 'સંતોષ ઘી ભંડાર' માંથી લેવાયેલા 'માધવ ઘી' ના નમુના સબ-સ્ટાન્ડર્ડ અને ફેલ સાબિત થતાં તેને સીલ કરવામાં આવ્યું છે. આ સાથે કુબેરનગર ખાતે આવેલા 'રાજેશ દૂધ ઘર' માંથી પનીરના નમુના અપ્રમાણિત અને ભેળસેળયુક્ત જણાતાં આ ડેરી એકમને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.
