અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા કરોડો રૂપિયાના ઇલેક્ટ્રોનિક્સ અને કેસરનો મોટો જથ્થો ઝડપાયો છે. એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ કાર્યવાહી કરીને આશરે રૂપિયા 45 લાખના મુદ્દામાલ સાથે એક મહિલાની ધરપકડ કરી છે.
AIU ની મોટી કાર્યવાહી
મળતી જાણકારી અનુસાર, શારજાહથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પેસેન્જર શંકાસ્પદ જણાતા AIU દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી મોટા પ્રમાણમાં Apple ના Iphone, Apple Watch, લેપટોપ અને મૂલ્યવાન કેસનો જથ્થો મળી આવ્યો હતો.
રૂપિયા 45 લાખનો મુદ્દામાલ જપ્ત
AIU એ તાત્કાલિક ધોરણે આ સમગ્ર રૂપિયા 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધરપકડ કરાયેલી મહિલા પેસેન્જર મહારાષ્ટ્રના ઉલ્હાસનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. AIU દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે, આ મહિલા કોના માટે આ સામાન લાવી રહી હતી અને આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ?.









