અમદાવાદ તથા પાટનગર ગાંધીનગરને જોડતો હાઈવે હાલમાં વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. ચોમાસાની સીઝનના પ્રારંભિક તબક્કાના સામાન્ય વરસાદે જ હાઈવેના રોડ-રસ્તાઓની અવદશા કરી નાખી છે. ખાસ કરીને ખોરજ બ્રિજ પર રોડની ઉપરની સપાટી સંપૂર્ણપણે ઉખડી ગઈ છે અને 1 થી 4 ફૂટ જેટલા ઊંડા અને પહળા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે.
ખોરજ બ્રિજ પર મસમોટા ખાડા
https://twitter.com/sandeshnews/status/2074043569044861438
તમારા જોખમે મુસાફરી કરો
હાલમાં સ્થિતિ એટલી ખરાબ છે કે સોશિયલ મીડિયા અને લોકલ કમ્યુનિટી ગ્રૂપ્સમાં 'તમારા જોખમે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પ્રવાસ કરો' તેવી ચેતવણીઓ ફરતી થઈ છે. ખોરજ બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક આવતા મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને અચાનક બ્રેક મારવી પડે છે અથવા વાહન ફંટાવવું પડે છે. હાઈ સ્પીડથી આવતી ગાડીઓ આ ખાડાઓમાં પટકાતા ટાયર ફાટવા અને સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવવાના કિસ્સા બની રહ્યા છે, જેનાથી ગંભીર અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
NHAI ની કામગીરી પર ઉઠ્યા ગંભીર સવાલો
આ હાઈવેની જાળવણી અને મરામતની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હસ્તક છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ હાઈવે પર પહેલા જ વરસાદમાં આવા મસમોટા ગાબડા પડી જતાં કામગીરીની ગુણવત્તા સામે મોટા સવાલો ઉભા થયા છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો (ટૂ વ્હીલર) માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે છે. રાત્રિના સમયે અંધારામાં કે વરસાદી પાણી ભરાવાને કારણે ખાડા દેખાતા નથી, જે અકસ્માતને સીધું આમંત્રણ આપે છે. સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર જાગે અને ચોમાસું જામતા પહેલા આ બ્રિજ પર તાત્કાલિક પેચવર્ક કે ડામરનું નવું સ્તર ચડાવવામાં આવે.
આ પણ વાંચો: Junagadh: કેશોદ પંથકમાં ધરતીપુત્રોએ ઉત્સાહભેર કર્યા વાવણીના શ્રીગણેશ