રાજ્યભરમાં ખાતર વેચાણમાં થઇ રહેલા ગોટાળા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે આ મામલે આઇએએસ અધિકારીને તપાસ તો સોંપી જ છે પણ સાથે સાથે જામનગર અને ભાવનગરના વિક્રેતાઓને યુરિયાનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો છતાં જામનગરમાં મંજૂરી ન હોવા છતાં યુરિયાનું વેચાણ કરાયું હોવાનું સામે આવ્યું છે.ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસો. પાસે મંજૂરી જ ન હતી અને ભાવનગરના ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે લાયસન્સ જ ન હતું છતાં તેમણે વેચાણ કર્યું હતું.


2024ની સરખામણીએ આ વર્ષે 40 થી 65 ટકા વધુ જથ્થો વેચાયો

મળેલી માહિતી મુજબ યુરિયાનું માર્ચ અને એપ્રિલમાં વેચાણ કરવામાં આવતા શંકા ઉપજી હતી કારણ કે 2024ની સરખામણીએ આ વર્ષે 40 થી 65 ટકા વધુ જથ્થો વેચાયો હતો. જો કે નવાઇની વાત એ છે કે માર્ચ-એપ્રિલમાં ખાતરની જરૂર ખેડૂતોને નહીવત હોય છે તો પછી આ યુરીયાનું વેચાણ કેમ કરાયું અને કોણે કર્યું તે બાબતે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે

10 જિલ્લાના 37 ડીલરોને ખાતર વેચાણ અંગે નોટિસ

ખાતર કૌંભાડ બહાર આવતાં 10 જિલ્લાના 37 ડીલરોને ખાતર વેચાણ અંગે નોટિસ આપવામાં આવી છે. રાજ્યના 10 જેટલા જિલ્લામાં માર્ચ - એપ્રિલ 2025માં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો હતો અને તે પણ વર્ષ 2024ની સરખામણીએ 40થી65 ટકા વધુ જથ્થો વેચાયો હતો.

ક્યાં જિલ્લામાં અસામાન્ય જથ્થો વેચાયો?

આ મામલે તપાસ કરાતા રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં આ જ પ્રકારે અસામાન્ય જથ્થો વેચવામાં આવતો હતો. જેમાં ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર , સાબરકાંઠા, મોરબી

નવસારી , છોટાઉદેપુર , બોટાદ , મહીસાગર અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. 

રાજ્યકક્ષાનો પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયો

બીજી તરફ ખેડૂતો ખાતર વિતરણ અંગે રજૂઆત પણ કરી શકશે તેવી જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઇ છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે કંટ્રોલ રૂમ શરુ કર્યા છે. જેમાં 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. રાજ્ય,જિલ્લા,તાલુકા મથકો પર આ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે તો સાથે એક રાજ્યકક્ષાનો પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને32 જિલ્લા કક્ષાના દરેક તાલુકામાં 1-1કંટ્રોલ રૂમ શરુ કરાયો છે. ખેડૂતો અહીં ખાતર મેળવવામાં મુશ્કેલી સહિતની ફરિયાદ કરી શકે છે તથા ખાતર લેવા થતા દબાણ અંગે પણ ફરિયાદ કરી શકાશે . CM ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી કન્ટ્રોલ રુમ શરુ કરાયા છે

  • Follow us on: